દીસપુર, તા.૧૯
દિલ્હીમાં કોંગ્રેસના નવા હેડક્વાર્ટરના ઉદઘાટન વખતે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. ભાજપ રાહુલ ગાંધીને ચોતરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. હવે તેમની વિરુદ્ધ આસામમાં ફરિયાદ નોંધાઈ છે. વાત એમ છે કે, હાલમાં જ રાહુલ ગાંધીએ સંઘ પ્રમુખ મોહન ભાગવતનો વિરોધ કરતા કહ્યું હતું કે, ‘અમે ઈન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છીએ.’ જાે કે, આ નિવેદન કરવું તેમને ભારે પડ્યું છે. આસામની રાજધાની ગુવાહાટીમાં મોનજીત ચેતિયા નામના વ્યક્તિએ રાહુલ ગાંધી વિરુદ્ધ ખૂબ જ ગંભીર બિનજામીનપાત્ર કલમો હેઠળ ફરીયાદ નોંધાવી છે. ચેતિયાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ દિલ્હીમાં આપેલું નિવેદન ભારતની એકતા અને અખંડિતતા માટે ખતરા સમાન છે. ગુવાહાટીના પાન બજાર પોલીસ સ્ટેશનમાં રાહુલ વિરુદ્ધ નોંધાયેલી ફરીયાદ માં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ ૧૫૨ અને ૧૯૭(૧)નો ઉલ્લેખ કરાયો છે, જે દેશની એકતા અને અખંડિતતાને જાેખમમાં મૂકતી કોઈપણ કાર્યવાહી વખતે લગાવવામાં છે. આ કલમો બિનજામીનપાત્ર છે.
વાસ્તવમાં દિલ્હીમાં કોંગ્રેસના નવા હેડક્વાર્ટરના ઉદઘાટન વખતે રાહુલ ગાંધીએ સંઘ પ્રમુખ મોહન ભાગવત પર નિશાન સાધ્યું હતું. મોહન ભાગવતે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ઉજવણી ભારતની ખરી આઝાદી તરીકે ઉજવવાનું નિવેદન આપ્યું હતું, જેના પર રાહુલ નિશાન સાધી કહ્યું હતું કે, ‘ભાગવતનું નિવેદન દર્શાવે છે કે ભાજપ અને ઇજીજી દેશની સ્વતંત્રતા અને બંધારણ વિશે શું વિચારે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ લોકોને ભારતના બંધારણમાં વિશ્વાસ નથી. ભાજપ અને આરએસએસ એક પછી એક તમામ સંસ્થાઓ પર કબજાે કરી રહ્યા છે. અમે ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ નહીં, પરંતુ ઈન્ડિયન સ્ટેટ સામે પણ લડી રહ્યા છીએ.
રાહુલના નિવેદન બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશને તોડવાની અને વિભાજન કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.
