સુરત,તા.૦૮
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે દિલ્હીવાસીઓનો આભાર માન્યો અને ચૂંટણી પરિણામોને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એક ઘમંડી વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં તે ભાજપને પડકાર આપતા જાેવા મળ્યા હતા, પરંતુ આજે તે વ્યક્તિ પરાજય પામી ગઈ. ભાજપ કાર્યાલય પર સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી.
સી.આર. પાટીલે કહ્યું હતું કે, ભાજપે અનેક વખત ભવ્ય જીત મેળવી છે અને કેટલીકવાર પરાજય પણ સ્વીકાર્યો છે. પરંતુ ૨૭ વર્ષ બાદ આ નાનકડા રાજ્યમાં મેળલી જીત આખા દેશ માટે આનંદનો વિષય છે. કોઇ ભલે ભાજપને જઠ્ઠું કહે કે જુલ્મી કહે, પરંતુ અમે તંદુરસ્ત લડત આપી અને જીત મેળવી. ૨૭ વર્ષ બાદ ભાજપે પ્રજાની અપેક્ષા મુજબ ભવિષ્ય નિર્ધારિત કર્યું છે. મોદીજી ક્યારેય ખોટા વચનો આપતા નથી, જે પણ વચન આપે છે તે પૂરા કરે છે અને તમામ માટે વિકાસ લાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ અને આપ પાર્ટી દિલ્હીમાંથી સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે. ઘમંડી લોકોને જનતાએ સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ભાજપ વિરૂદ્ધ જે લોકો ખુલ્લો પડકાર આપી રહ્યા હતા તેઓ જે પરાજય પામ્યા છે. દિલ્હીના લોકોનો ભવિષ્ય મોદીજીના હાથે સુરક્ષિત લાગે છે. દિલ્હીના લોકોને લાગે છે કે, તેમનું ભવિષ્ય માત્ર મોદીના હાથે સુરક્ષિત છે. તેથી તેમણે ભાજપને પસંદ કરી વિકાસની દિશામાં એક મોટો ર્નિણય લીધો છે. દિલ્હીના મતદાતાઓએ જે વિશ્વાસ બતાવ્યો છે, તે બદલ હું દિલથી સૌનો આભાર માનું છું. સાથે તેઓએ કહ્યું હતું કે, હવે દિલ્હીના લોકો માટે વિકાસના નવા દરવાજા ખૂલશે. કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ દિલ્હીના લોકોને મળી શકી નથી, પરંતુ હવે આ તમામ યોજનાઓનો લાભ મળશે. દિલ્હીનો વિજય, ઘમંડી લોકોનો અંત છે. દેશના લોકોને હવે સાચું અને ખોટું ઓળખવાની સમજણ આવી ગઈ છે. કોઇ ભલે કહે કે ભાજપ ક્યારેય જીતશે નહીં, પરંતુ આજે જ હકીકત બધાના સામે છે. દિલ્હીના લોકોની ચોઇસે સાબિત કરી દીધું કે, વાસ્તવિક વિકાસ કોના હાથે છે. આ જીત માત્ર ભાજપની નહીં પરંતુ દિલ્હી અને દેશના વિકાસ માટેનો એક મોટો ર્નિણય છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી ઘણા લોકોને લાભ મેળવ્યો છે, પરંતુ અગાઉ લોકોને આ યોજનાઓથી વંચિત રાખવામાં આવ્યા હતા. વહિવટમાં પારદર્શિતા અને પ્રજાહિત માટે ભાજપ પ્રતિબદ્ધ છે, જેનો લાભ સીધો સમાન્ય નાગરિકોને મળી રહ્યો છે. ૧ કરોડથી વધુ લોકોને રિટર્ન ભરવાની મક્તિ મળી છે, જેનાથી ખરીદ શક્તિમાં વધારો થશે અને અર્થતંત્રમાં સુધારો થશે. સત્તા પ્રાપ્તિ માટે ભાજપ લોકોની સેવા કરે છે અને મોદી સાહેબ કહે છે કે, સત્તા એ પ્રજાહિત માટે હોય છે ના કે અંગત સ્વાર્થ માટે.
સી.આર. પાટીલે વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કેટલાંક લોકોએ ખોટા વચનો આપીને જનતાને ભ્રમમાં મૂકી હતી. પરંતુ હવે તેમનું પાર્ટીનું ખાતું પણ નથી ખુલ્યું. મફત પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં કેન્દ્ર સરકારે પહેલાથી જ મફત પાણી આપવાનું શરૂ કર્યું હતું. તેમણે દાવો કર્યો કે, વધારાનું પાણી આપવા છતાં પણ કેટલાક વિસ્તારોમાં પાણી પહોંચતું ન હતું. જેનાથી લોકો મોહભંગ અનુભવી રહ્યા હતા. ભાજપ સરકારે અનેક નદીઓની સફાઈ અને ડ્રેજીંગ કાર્ય હાથ ધર્યું છે, પરંતુ યમુના નદી સાફ કરવામાં આવી નથી, જેનો જવાબ પણ વિપક્ષને આપવો જાેઇએ.
