સુરત, તા.૨૯
સુરતના ચોકબજાર વિસ્તારમાં સિલ્વર સ્ટોન આર્કેટ ખાતે એ.ટી.એમ. મશીન પાસે ઉભા રહી લોકોને નિશાન બનાવતો અને પોતાને જરૂરિયાતમંદ જણાવી રોકડા રૂપિયા પડાવી ઓનલાઈન ટ્રાન્સફર કરવાના નામે મોબાઇલ એપ્લિકેશનના ખોટા સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડી કરતો એક શખ્સ ચોકબજાર પોલીસના હથે ચઢ્યો છે. આરોપી દેવ હિરેન પટેલે માત્ર એક નહીં, પણ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો છે. આરોપી સામે અગાઉ પણ બે ગુના નોંધાયેલા છે અને તેની ધરપકડથી ચોક તથા કતારગામ વિસ્તારમાં થયેલી બે છેતરપિંડીના ગુનાઓ ઉકેલી શકાયા છે.
૨૬ મે, ૨૦૨૫ના રોજ રાત્રે ફરિયાદી સિલ્વર સ્ટોન આર્કેટ ખાતે આવેલી બેંક ઓફ બરોડાની સી.ડી.એમ. મશીન પાસે રોકડ રૂપિયા જમા કરાવવા ગયા હતા. ત્યાં હાજર આરોપી દેવ હિરેન પટેલે પોતાની ઓળખ આપી અને જણાવ્યુ કે, મારું પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે, તમે તમારા પૈસા મારે આપો તો હું તરત જ તમારા ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરી દઈશ. આ આશ્વાસન મળતાં ફરિયાદીએ રોકડ રૂપિયા આપી દીધા હતા. આરોપીએ ફરિયાદીના મોબાઈલમાં રહેલા ગૂગલ પેનો ક્યુ.આર. કોડ સ્કેન કર્યો અને રૂપિયા જમા થઈ ગયા હોવા અંગેનો ખોટો સ્ક્રીનશોટ બતાવ્યો હતો. બાદમાં કહ્યું કે, હવે હું દવાખાનાના કામે જઈ રહ્યો છું, પૈસા તપાસો નહીં આવે તો ફોન કરો, તેમ કહી પોતાનો મોબાઇલ નંબર આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ફરિયાદીને લાંબા સમય સુધી રૂપિયા ન મળતાં તપાસ કરતા નજીક જ આવેલ બીજા વ્યક્તિ સાથે પણ એવી જ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે બંને કિસ્સાઓને આધારે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી હતી.
ચોકબજાર પોલીસના સર્વેલન્સ સ્ટાફે ઘટનાસ્થળે આવેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરતા તેને પકડવામાં સફળતા મળી હતી. આરોપીનું નામ દેવ હિરેનભાઈ પટેલ (ઉં.વ. ૨૨, રહે. ઇ-૦૯, શ્રીજીચરણ એપાર્ટમેન્ટ, સુમુલ ડેરી રોડ, કતારગામ, સુરત) છે. મૂળ રહેવાસી પટેલ ફળિયુ, સોજીત્રા, જિલ્લો: આનંદ છે. આરોપી લોકોને એટીએમ કે સીડીએમ મશીન પાસે રોકડ જમા કરાવતો જાેઈને એ વાત કરે છે કે એની ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે. પછી તેઓ પાસેથી રોકડા મેળવીને તેમના ગૂગલ પે-ફોન પેના ક્યુઆર કોડ સ્કેન કરે છે, પરંતુ ખાતામાં પૈસા જમા કર્યા હોય એવું ખોટું સ્ક્રીનશોર્ટ દેખાડી છેતરપિંડી કરે છે. કેટલીક વખત પોતાનો નંબર આપી અચાનક કોઈ બહાનું બનાવી ત્યાંથી નાશી જાય છે. આ રીતે ઘણી વ્યક્તિઓ સાથે તે છેતરપિંડી કરતો હતો. ૨૦૨૩માં પણ આ આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી થયેલી હોવાનું જાણવા મળ્યું છે.
