સુરત, તા.૩૦
સુરતમાં વરાછાના અવસર ફેટાવાળાને ત્યાં પાર્ટ ટાઇમ એકાઉન્ટન્ટ તરીકે જાેડાયેલા યુવકે શેઠનું જ એકાઉન્ટ સાફ કરી નાખ્યું હતું. શેઠના મોબાઈલ ફોનમાં રહેલા ઓનલાઈન બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી ૧૭.૭૩ લાખ પત્ની અને માતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઇ ઉચાપત કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. એક મહિના બાદ આરોપીને ઝડપી પાડવામાં કાપોદ્રા પોલીસને સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી જ્યારે પોતાની પત્નીના એકાઉન્ટમાં રૂપિયા નાખતો હતો ત્યારે તે કંઈક ખોટું તો કરતો નથી તે રીતનું પણ તેને પૂછીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે આરોપી રોકાયો ન હતો અને અંતે જેલમાં જવાનો વારો આવ્યો છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં પાર્ટ ટાઈમ જાેબની રિલ્સ મૂકીને એકાઉન્ટ શોધનાર યુવકને પણ ઠગ એકાઉન્ટન્ટ મળી જતા ભારે પડ્યું છે.
મળતી હિતી પ્રમાણે નાના વરાછા ભગવતીકૃપા સોસા.માં રહેતા અનિલ રામજી ખૂંટ અવસર ફેટાવાળાના નામે વ્યવસાય કરે છે. ઈન્સ્ટા. એપમાં જાહેરાત આપી તેમણે ધ્રુવ દિનેશભાઈ ઉર્ફે દિનકર પંડયા (રહે. ઓમ પેલેસ, પાસોદરા)ને નવેમ્બર-૨૪માં પાર્ટ ટાઈમ નોકરીએ રાખ્યો હતો. પોતાના બેંક એકાઉન્ટ ઉપરાંત પિતા અને ભાઈનું ઓનલાઈન બેંક એકાઉન્ટનો ઉપયોગનો એક્સેસ પણ આ એકાઉન્ટન્ટને આપવામાં આવ્યો હતો. ધ્રુવ કામને બદલે મોબાઇલ ફોનમાં જ વ્યસ્ત રહેતો હોવાને કારણે ત્રીજી જાન્યુઆરીએ આ એકાઉન્ટન્ટને છૂટો કરી દેવાયો હતો. દરમિયાન ૧૨મી જાન્યુઆરીએ ધ્રુવ દુકાને આવ્યો હતો અને ઓર્ડરની પી.ડી.એફ. નાંખવાના બહાને શેઠનો મોબાઈલ ફોન અડધો કલાક માટે લીધો હતો. બીજા દિવસે ભાઈ અને પિતાના એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફરનો ઇશ્યૂ આવતાં અનિલભાઇ ખૂંટ બેંકમાં ગયા હતા.
બેંક એકાઉન્ટ ચેક કરતાં નવેમ્બર મહિનાથી માર્ચ મહિના દરમિયાન આ પરિવારનાં બેંક એકાઉન્ટમાંથી ૧૭.૭૩ લાખ રૂપિયા ધ્રુવની માતા હંસાબેન અને પત્ની અક્ષિતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પાર્ટ ટાઈમ એકાઉન્ટન્ટની નોકરીના બહાને આ શખ્સે લાખોનો ચૂનો લગાવતાં મામલો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ૨૭ એપ્રિલના રોજ એકાઉન્ટન્ટ, તેની પત્ની અને માતા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે એક મહિના બાદ આરોપી ધ્રુવ પંડ્યાને પકડી પાડવામાં સફળતા મળી હતી. ઓનલાઇન બેંક અને ઓર્ડર લેવાનાં ફોન ધ્રુવને આપી દીધા બાદ ધ્રુવ દ્વારા મોબાઇલમાં ગૂગલ પે ડાઉનલોડ કરી અને તેના અને તેના પરિવારના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેતો અને ગૂગલ પે અને ઓટીપી ડીલીટ કરી નાખતો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ધ્રુવ પોતાની પત્ની અને માતાના ખાતામાં રૂપિયા જ્યારે ટ્રાન્સફર કરતો હતો. ત્યારે વોટ્સએપમાં મેસેજ પણ કરતો હતો. તે સમયે પત્નીએ કઈ ખોટું નથી કરતા ને તે રીતે પૂછીને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. જાેકે ધ્રુવ રોકાયો ન હતો અને અંતે જેલમાં જવાનો વારો આવ્યો છે.
