સુરત, તા.૩૦
સુરત શહેરમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના અઠવા વિસ્તારમાં નિકાહના નામે અમદાવાદમાં રહેતા એક દિવ્યાંગ યુવક સાથે ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. પાંચ મહિલાની ગેંગે નિકાહનું નાટક રચીને યુવક પાસેથી રૂ.૧ લાખ પડાવ્યા હતા. બાદમાં નિકાહની રાત્રે જ દુલ્હન તેના પરિવાર સાથે ભાગી ગઈ હતી.
આ સમગ્ર મામલે યુવકે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલા ગેંગની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ઘણાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. પીડિત યુવાન જેને પોતાની પત્નીનો પરિવાર સમજી રહ્યો હતો, તે માત્ર લૂંટ માટે બનાવવામાં આવેલી પાંચ યુવતીની લૂંટેરી દુલ્હનની ગેંગ હતી.
આ પહેલાં અમદાવાદનો દિવ્યાંગ લૂંટેરી ગેંગની સભ્ય અને એજન્ટ હિના (નરગિસ બાનુ)ના સંપર્કમાં આવ્યો અને નિકાહ માટે સુરતની સના નામની એક યુવતીને પસંદ કરી. બાદમાં એજન્ટ હિના દ્વારા યુવકને જણાવવામાં આવ્યું હતું કે દુલ્હનના પિતા નથી. માતા અને બે બહેનો જ છે. આ ષડ્યંત્રમાં યુવતીની માતા ઝરીના ખાતુન, બહેન તરીકે મુસ્કાન અને શાહિસ્તા, એજન્ટ તરીકે હિના (નરગિસ બાનુ) હાજર રહી હતી. સના નામની ૧૮ વર્ષીય યુવતીને દુલ્હન તરીકે ઊભી કરવામાં આવી હતી, જ્યારે વાસ્તવમાં સનાનાં માતા-પિતાને આ નિકાહ વિશે કોઈ જાણ પણ નહોતી.
બાદમાં યુવક નિકાહ માટે તૈયાર થઈ જતાં એજન્ટ ઝરીના ખાતુને તેના નાનપુરા વિસ્તારમાં આવેલા ઘરે જ કરાવાયા હતા, જેમાં કાઝી તરીકે ઈર્શાદ પઠાણ નામના રિક્ષાચાલકે નિકાહ પઢવ્યા હતા. નિકાહ પછી દુલ્હન અને તેનો બનાવટી પરિવાર યુવક સાથે અમદાવાદ ગયો હતો, જ્યાંથી રૂપિયા રૂ. ૧ લાખ પડાવી સુરત પરત ફર્યા હતો. ત્યાર બાદ યુવકના સંબંધીઓના બધા ફોન નંબર બ્લોક કરી દીધા હતા. જ્યારે યુવકે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં. બાદમાં યુવકે ફરિયાદ કરવાની વાત કહેતાં તમામ યુવતીઓએ યુવકને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી અપી હતી.
આ મામલે યુવકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તરત જ તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે પાંચ યુવતીને ઝડપી પાડી છે. આરોપીઓમાં ઝરીના ખાતુન (મેરેજ બ્યૂરો ચલાવતી), સના (દુલ્હન), હિના (એજન્ટ), મુસ્કાન અને શાહિસ્તા (દુલ્હનની બહેન બની હતી)નો સમાવેશ થાય છે. તમામ મહિલાઓ લિંબાયત, નાનપુરા અને સલાબતપુરા જેવા વિસ્તારોમાં રહે છે અને જુદી જુદી ઓળખ બનાવી લોકો સાથે લગ્નના નામે ઠગાઈ કરે છે. સૌથી મહત્ત્વની વાત છે કે સનાની બે બહેનપણી સગી બહેનો બનીને યુવક સામે ગઈ હતી. એક લાખ રૂપિયામાં તમામ લોકો ભાગે વહેંસણી કરવાના હતા.
આ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે પાંચ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. લગ્નના નામે એક લાખ રૂપિયા પડાવવાના કિસ્સામાં કાર્યવાહી થઈ રહી છે. આરોપીઓએ આવા અન્ય અનેક લોકો સાથે પણ આવી રીતે લૂંટ કરી છે કે નહિ એ અંગે તપાસ ચાલી રહી છે.
