નવી દિલ્હી, તા.૩૧
દેશમાં હાલ વહેલા આવેલું ચોમાસું પૂર્વોત્તરમાં તબાહી મચાવી રહ્યું છે. ગત દિવસોમાં પૂર્વોત્તરના મણિપુર, મિઝોરમ, આસામ, અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં સતત ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરમાં ૨૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ૧૨ હજારથી વધુ પરિવાર અસરગ્રસ્ત થયા છે. આ રાજ્યોમાં અનેક ઘર પડવાથી મોટી સંખ્યામાં લોકો બેઘર થઈ ગયા છે. નદીઓમાં પૂર આવ્યા છે. ત્યારે હવામાન વિભાગે તમામ રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે.
નેપાળમાં ભારે વરસાદના કારણે બિહારના કિશનગંજ જિલ્લાની નદીઓ બેકાંઠે વહી રહી છે. કનકઈ, બૂઢી કનકઈ અને મેચી નદીનું જળસ્તર વધ્યું છે. નદીના કિનારાના વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. જેના કારણે મક્કા અને શાકભાજીનો પાક બરબાદ થઈ ગયો છે. દક્ષિણ મિઝોરમના લોન્ગતલાઈ શહેરમાં ભારે વરસાદને લઈને ભૂસ્ખલન થવાથી પાંચ ઘર અને એક હોટલ ધરાશાયી થઈ ગઈ. જેમાં અનેક લોકો ફસાયા. જાેકે ત્રીજા ભારતીય રિઝર્વ બટાલિયનના કર્મીઓ દ્વારા બચાવ અભિયાન હાથ ધરાયું છે. મિઝોરમમાં અનેક ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ૫ લોકોના મોત થયા છે. મિઝોરમમાં છેલ્લા ૩ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન થયું છે.
ભારે વરસાદ અને ભૂસ્ખલનથી આસામમાં કામરૂપ મેટ્રો જિલ્લામાં પાંચ લોકોના મોત થયા. જ્યારે પાંચ જિલ્લામાં ૧૨,૦૦૦થી વધુ લોકો પૂરના કારણે અસરગ્રસ્ત થયા. ગુવાહાટી અને સિલચરમાં પૂરથી ૧૦ હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા. જ્યારે, લખીમપુરમાં પાણીના કારણે રિંગ ડેમ તૂટ્યો.
અરૂણાચલ પ્રદેશમાં પણ વરસાદ અને ભૂસ્ખલને તબાહી મચાવી છે. અહીં ભૂસ્ખલનમાં નવ લોકોના મોત થયા. જેમાં પૂર્વ કામેંગ જિલ્લામાં બાના-સેપ્પા ખંડ પર ભૂસ્ખલનના કારણે સાત લોકોના મોત થયા. જ્યારે લોઅર સુબનસિરી જિલ્લામાં બૂશ્કલન બાદ બે શ્રમિકોના મોત થા અને બે અન્યને બચાવી લેવાયા. આ સિવાય ત્રિપુરામાં પણ ભારે વરસાદના કારણે એક યુવકનું ડૂબી જવાથી મોત થયું. મણિપુરમાં વરસાદને લઈને નદીઓનું જળસ્તર વધી ગયું છે. નમ્બુલ, ઇરિલ અને નમ્બોલ નદીનું જળસ્તર પણ ચેતવણી સ્તર સુધી પહોંચી ગયું છે. ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઇમ્ફાલ નદી બેકાંઠે હોવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
