સુરત, તા.૧૯
ગુજરાતમાં ઘૂસણખોરી કરી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા માટે ગુજરાત સરકારે બે મહિનામાં બીજીવાર ઓપરેશન હાથ ધર્યું છે. સુરત, ભરૂચ સહિતના જિલ્લામાં તપાસ કરી ૧૦૦ કલાકમાં જ ૨૦૦ જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે, જેઓ અલગ અલગ સમયે સુરત સહિતનાં શહેરોમાં આવ્યા હતા, જેમાંના કેટલાક લોકો પાસેથી ભારતના બોગસ ડોક્યુમેન્ટ પણ મળ્યા છે. સુરતમાં હાલ ૧૧૯ જેટલા ઘૂસણખોરો મળી આવતાં તેમનું જાેઈન્ટ ઈન્ટ્રોગેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યાર બાદ ડિપોર્ટની કાર્યવાહી હાથ ધરાશે. નોંધનીય છે કે આ પહેલાં સુરત પોલીસ ૨૦૦ જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડી ડિપોર્ટ કરી ચૂકી છે.
ગુજરાત પોલીસે બે મહિનામાં જ બીજીવાર બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા માટે ઓપરેશન હાથ ધરી ૨૦૦ જેટલા ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. ત્યારે સવાલ ઊઠ્યો છે કે ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં હજી કેટલા બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે.
સુરત જેસીપી ક્રાઈમ રાઘવેન્દ્ર વત્સ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં આ ઓપરેશનની વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૪૮ કલાકની અંદર સુરત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા શહેરના ચોક, ભેસ્તાન, સચિન, ઉન જેવા વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના પરિણામે ૧૧૯ બાંગ્લાદેશીની અટકાયત કરવામાં આવી છે. આ ઝડપાયેલા લોકો મોટે ભાગે મજૂરીકામ કરતા હતા અને ઘણા લોકો ગેરકાયદે રીતે બાંધવામાં આવેલાં મકાનોમાં રહેતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જે અંગે વધુ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે.
જેસીપી વત્સે વધુમાં ઉમેર્યું હતું કે આ પ્રથમવાર નથી કે આવું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોય. અગાઉ પણ ૨૧૨ જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં પુરુષોની સાથે મહિલાઓ પણ સામેલ છે. અટકાયત કરાયેલા કેટલાક લોકોએ ભારતીય નાગરિકતાના બોગસ દસ્તાવેજાે બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. આ બોગસ ડોક્યુમેન્ટ કોના દ્વારા બનાવવામાં આવ્યા છે અને આ નેટવર્કમાં કોણ-કોણ સામેલ છે એ દિશામાં પણ ગહન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જેસીપી વત્સએ જણાવ્યું હતું કે ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓની સંપૂર્ણ બાયોમેટ્રિક એન્ટ્રી કરવામાં આવી રહી છે. આ ડેટા અલગ અલગ સરકારી સંસ્થાઓ અને સુરક્ષા એજન્સીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં જાે આ લોકો ફરીથી ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે તો તેમને સરળતાથી ઓળખી શકાય.
જાેઈન્ટ ઓપરેશન હાથ ધરીને તેમની સઘન પૂછપરછ કર્યા બાદ તમામ ગેરકાયદે બાંગ્લાદેશીઓને તેમના વતન બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ દ્વારા એ પણ તપાસ કરવામાં આવશે કે આમાંથી કોઈ વ્યક્તિ દેહવેપાર જેવા ગેરકાયદે ધંધામાં સંડોવાયેલી છે કે કેમ. સુરક્ષા અને કાયદાના અમલનું મહત્ત્વ: ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારનાં ઓપરેશનો સતત ચાલુ રાખવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ દેશની સુરક્ષા અને રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવાનો છે.
ગેરકાયદે ઘૂસણખોરી માત્ર સુરક્ષા માટે જ નહીં, પરંતુ સ્થાનિક સંસાધનો અને રોજગારી પર પણ ભારણ ઊભું કરે છે. આવાં ઓપરેશનો દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં અને ભારતીય નાગરિકોનાં હિતોનું રક્ષણ કરવામાં મદદ મળે છે. ગૃહમંત્રાલય અને રાજ્ય પોલીસનું આ સંયુક્ત અભિયાન સ્પષ્ટ સંદેશ આપે છે કે ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા કોઈપણ વિદેશીને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
