- કોંગ્રેસ છોડ્યા બાદ ‘નિષ્ક્રિયતા‘ના નામે સસ્પેન્શન; વિપુલ બારીયાનો વળતો પ્રહાર
(સિટી ટુડે) નર્મદા,તા.૧૯
નર્મદા જિલ્લા કોંગ્રેસમાં નવા પ્રમુખ રણજીત તડવીની નિમણૂકના ગણતરીના દિવસોમાં જ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ વિપુલ બારીયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.
નર્મદા કમલમ ખાતે ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને તિલકવાડા ભાજપ પ્રમુખ ગૌરાંગ બારીયાની ઉપસ્થિતિમાં તિલકવાડા તાલુકાના ગમોડ ગામના સરપંચ અને નર્મદા જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ વિપુલ બારીયાએ ગમોડ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ લગભગ ૧૫૦ જેટલા કોંગ્રેસી કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
આશ્ચર્યજનક રીતે, વિપુલ બારીયાના રાજીનામા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેમને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ દ્વારા વિપુલ બારીયાના સસ્પેન્શનનું કારણ “પાર્ટીમાં નિષ્ક્રિયતા અને મીટિંગમાં ગેરહાજરી” દર્શાવવામાં આવ્યું છે. જાેકે, વિપુલ બારીયાએ જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું ત્યારે જ તેમની નિષ્ક્રિયતા કોંગ્રેસ પ્રમુખને કેમ દેખાઈ તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
આ અંગે વિપુલ બારીયાએ જણાવ્યું હતું કે, “મેં પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, અને ત્યારબાદ મને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સસ્પેન્ડ કર્યો છે. રાજીનામું આપ્યા પછી સસ્પેન્ડ કરવાનો કોઈ અર્થ નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “મેં ભાજપની વિકાસ યાત્રામાં મારું યોગદાન આપવા માટે કોંગ્રેસ છોડી છે.”આ ઘટનાક્રમ નર્મદા જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ પર સવાલો ઉભા કરે છે અને આગામી સમયમાં રાજકીય સમીકરણોમાં કેવા ફેરફારો લાવશે તે જાેવું રહ્યું.