સુરત, તા.૨૦
સુરતમાં છેલ્લા ૧૨ કલાકમાં બે યુવકોની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં રાત્રે ૮ વાગ્યે રોડ પર ભાઈને મુકવા માટે જવાની તૈયારી કરી રહેલા બે પિતરાઈ ભાઈ અને બનેવી પર ચપ્પુથી બૂટલેગર સહિત આઠ જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો. બૂટલેગર દ્વારા ચપ્પુના ચાર જેટલા ઘા મારીને યુવકના આતરડા બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ તો આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ઉત્રાણ વિસ્તારમાં ૨૧ વર્ષીય યુવકને પણ રાત્રે માત્ર બાઈકની સામાન્ય ટક્કરમાં ૧૧ વાગ્યે માતા-પિતાની નજર સામે ચપ્પુના ઘા મારી પતાવી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, મૂળ ઓડિશા અને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા લક્ષ્મી નગરમાં ૩૪ વર્ષીય મીતુ કેદારભાઈ પ્રધાન પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની, ભાઈ ભાભી છે. મીતુ સંચા ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે દરમિયાન મીતુનો ભાઈ બીટ્ટાસાહબ પ્રધાન વતન જતો હોવાથી ગત રોજ રાત્રે મીતુ, તેનો પિતરાઈ ભાઈ કિશન અને બનેવી સંતોષ સામાન મુકવા માટે ઘર નજીક ઉભા હતા. મૃતક મિતુના ભાઈ બીટ્ટાસાહબ પ્રધાને જણાવ્યું હતું કે, બદ્રી નામનો એક માથાભારે ઈસમ જે પાંડેસરા નાગશેનનગરમાં દારૂનો ધંધો કરે છે તે આઠ જેટલા ઇસમો સાથે ધસી આવ્યો હતો. કિશન અને મિતુને પહેલા બે તમાચા માર્યા હતા. ત્યારબાદ તેને પૂછ્યું હતું કે શા માટે મારમારી રહ્યો છે તો અચાનક જ ઉશ્કેરાઈ ગયો હતો. બદ્રીએ પોતાની પાસે રહેલા મોટા ચપ્પુ વડે પહેલા મિતુને ચાર જેટલા પેટના ભાગે ઘા માર્યા હતા. તેને બચાવવા પડેલા બનેવી સંતોષને પણ ત્રણ જેટલા પેટના ભાગે ઘા માર્યા હતા. આ સાથે જ કિશનને પણ હાથ પર એક ઘા આવ્યો હતો. મિતુને પેટના ભાગે ચાર જેટલા મારવામાં આવતા આંતરડા પણ બહાર આવી ગયા હતા અને સંતોષને પણ ગંભીર ઇજા પહોંચી હતી જેથી બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં મીતુનું સવારે ૧૦ વાગ્યે મોત નીપજ્યું હતું. જ્યારે સંતોષ હજુ પણ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મીતુના ભાઈએ કહ્યું હતું કે, બદ્રી નામનો માથાભારે બૂટલેગર ઈસમ રોજ કોઈને અને કોઈને ચપ્પુના ઘા મારતો હોય તેવું અમને જાણવા મળ્યું છે. આરોપીને ફાંસીની સજા થવી જાેઈએ. હવે મારો ભાઈ તો રહ્યો નથી તો તેને સજા તો ફાંસીની જ થવી જાેઈએ.
હત્યાના વધુ એક બનાવમાં મળતી માહિતી પ્રમાણે, મૂળ મધ્ય પ્રદેશ અને કામરેજના અંબોલી ગામ ખાતે ઝૂંપડપટ્ટીમાં ૨૧ વર્ષીય રાજ શુકલાલ અરવાલ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં છ મહિનાનો દીકરો, પત્ની, માતા-પિતા અને એક નાનો ભાઈ છે. યુવક ભંગારનો ધંધો કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો. ગતરોજ રાત્રે ૯:૩૦ વાગ્યા આસપાસ રાજ કઠોર ગામ ખાતે આવેલી માનસરોવર સોસાયટીમાં તેની માસીની દીકરીને પાણી આપવા માટે મોપેડ લઈને ગયો હતો. રાત્રે ૧૦ વાગ્યા આસપાસ યુવકે પિતાને ફોન કરીને કહ્યું હતું કે, પપ્પા મને સિવાય એ ચાકુ મારી દીધું છે જેથી માતા-પિતા અને પરિવારના અન્ય બે સભ્યો રીક્ષા લઈને માનસરોવર સોસાયટી પાસે પહોંચ્યા હતા. જ્યાં માતા-પિતાની નજરની સામે જ શિવા નામના યુવકે રાજને આડેધડ ચપ્પુના ઘા મારી દીધા હતા. પેલો ઘા રાજના હૃદય પર માર્યો હતો જ્યારે અન્ય ગળાના ભાગે, જમણા હાથ ઉપર, જમણા પડખાના ભાગે પણ ચપ્પુના ઘા માર્યા હતા. રાજને આડેધડ ચપ્પુના ઘા મારી શિવા નામનો યુવક ભાગી ગયો હતો. ગંભીર હાલતમાં રાજને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું વહેલી સવારે ૫:૦૦ વાગ્યા આસપાસ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. હાલ તો ઉત્રાણ પોલીસ દ્વારા શિવા હીરાલાલ શ્રીવાસ્તવ નામના યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક રીતે મોપેડ સાથે સામાન્ય ટક્કર બાબતે બોલાચાલી બાદ આ હત્યા કરવામાં આવી હોવાની સંભાવના છે.
