સુરત,તા.૦૩
સુરત જિલ્લાના કોસંબા નજીક એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતાં હાહાકાર મચી ગયો છે. મૃતક મહિલાની ર્નિમમ હત્યા કરવામાં આવી છે. હત્યારાએ મહિલાના પગ બાંધી, બે ફૂટની નાની ટ્રોલી બેગમાં તેને બેવડું વાળી મૃતદેહને ભરી દીધો હતો. પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા ટેટૂના આધારે તપાસ શરૂ કરી છે. ફર્સ્ટ પર્સન પુષ્પેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હું મારી રોજની દિનચર્યા મુજબ ચાલવા નીકળ્યો હતો. ત્યારે મને મારા સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે, આ બેગમાં કાંઇ પ્રોબ્લેમ જેવું લાગે છે. તો મેં તપાસ કરી તો બેગમાં એક લાશ હોય તેવું મને લાગ્યું, જેથી મેં તાત્કાલિક પોલીસને જાણ કરી.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયા પોતે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સુરત જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, સવિર્સ રોડની બાજુના ખાડામાંથી એક પર્પલ કલરની બેગમાં દુપટ્ટાથી બાંધેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મહિલાના મોંઢા-નાક પરથી લોહી નીકળ્યું હોય તેવું જોવા મળ્યું હતું. જો કે, બાહ્ય રીતે દેખાય તેવી કોઇ ઇજા થઇ હોય તેવું જણાતું નથી. સુરત જિલ્લા પોલીસ દ્વારા એક મોટી ટીમ બનાવવામાં આવી છે. જેમાં લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને કોસંબા પોલીસ સહિત ૨૫ જેટલા અધિકારી અને કર્મચારીઓ તપાસમાં જોડાયા છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે, જેથી આરોપીની હિલચાલ અંગે કોઈ કડી મળી શકે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે, મૃતક મહિલાની હત્યા નજીકના કે પરિચિત વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી હોય, કારણ કે મૃતદેહને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ માટે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ કરવાનો છે. કોસંબા પીઆઇ ડી. આઇ. ખાચરે જણાવ્યું હતું કે, પબ્લિક દ્વારા અમને મેસેજ મળેલા કે એક બેગમાં કોઈ ડેડબોડી પડી હોય એવું લાગે છે, જેથી પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઇ હતી, જ્યાંથી અંદાજિત ૨૫ વર્ષની એક અજાણી મહિલાની ડેડબોડી મળી છે. પીઆઇ ખાચરે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ હત્યારાએ મોઢું દબાવવાથી ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું અનુમાન છે. હજી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. તેમણે વધુમાં કહ્યું કે, બોડીના કટકા નથી કર્યા, પણ કપડાં દ્વારા લાશને બાંધીને બેગમાં મૂકવામાં આવી હતી. કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં સવિર્સ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાંથી બેગમાં ભરેલી લાશ મળી હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, મહિલા પરપ્રાંતીય હોઈ શકે છે. મહિલાના હાથ પર ટેટૂ પણ દોરાયેલાં છે, જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસકાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે. પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે તેની હત્યા કરી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.








