વોશિંગ્ટન, તા.૨૦
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને રોકવાનો શ્રેય પોતાને આપ્યો છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે યુએસ-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં બોલતા ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો પર ૩૫૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપીને યુદ્ધ ટાળ્યું હતું. ટેરિફની ધમકી આપતા ટ્રમ્પે દોવો કર્યો હતો કે, ભારત અને પાકિસ્તાન પરમાણુ હથિયાર સાથે લડવાના હતા. મેં કહ્યું, તમે લોકો લડી શકો છો, પણ હું બંને દેશો પર ૩૫૦ ટકા ટેરિફ લાદીશ. અમેરિકા સાથે કોઈ વેપાર થશે નહીં. આ ધમકીના બે દિવસમાં જ બંને દેશોના નેતાઓએ ફોન પર સંપર્ક કરીને તેમને આવું ન કરવા વિનંતી કરી.
પાકિસ્તાનના વડાપ્રધાન (શાહબાઝ શરીફ) એ મને ફોન કરીને લાખો લોકોના જીવ બચાવવા બદલ આભાર પણ માન્યો હતો. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તે આંતરરાષ્ટ્રીય વિવાદો ઉકેલવામાં નિષ્ણાત છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની કથિત વાતચીત અંગે ટ્રમ્પે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ફોન કર્યો અને કહ્યું,અમારું કામ પૂર્ણ થયું. મેં કહ્યું, તમારું શું કામ પૂર્ણ થયું? તેમણે જવાબ આપ્યો, અમે યુદ્ધમાં નહીં જઈએ. પછી મેં પીએમ મોદીનો આભાર માન્યો અને કહ્યું, ચાલો એક ડીલ કરીએ.
પોતાના વખાણ કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈ અન્ય રાષ્ટ્રપતિ આવું નથી કરતા અને તેમણે વેપાર અને ટેરિફ દ્વારા આઠમાંથી પાંચ યુદ્ધો ઉકેલ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના આ દાવા અંગે ભારત તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ભૂતકાળમાં પણ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા અંગે સમાન દાવા કર્યા છે, જેનું ભારતે ખંડન કર્યું હતું.








