સુરત,તા.૨૫
ગુજરાતમાં એસટી બસના ચાલકો બેફામ બસ ચલાવતા હોવાના અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે સુરતમાં આવો જ એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના રિંગરોડ બ્રિજ પર રોંગ સાઈડમાં બેફામ એસટી બસનો ચાલક બસ ચલાવી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં ત્રણ કિલોમીટર થી વધુ બસને ડ્રાઇવર દ્વારા રોંગ સાઈડમાં ચલાવવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, બે દિવસ પહેલા રાત્રિના સમયે એક કાર ચાલક સ્ટેશનથી થઈને ઉધના તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન રિંગ રોડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની રોંગ સાઈડમાં એક એસટી બસનો ચાલક ૫૦ થી ૬૦ ની સ્પીડે બસને દોડાવીને જઈ રહ્યો હતો. એસટી બસ રોંગ સાઈડમાં ચાલતી હોવાથી કારના ચાલક દ્વારા તેનો વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો. એસટી બસ સ્ટેશન થી લઈને છેક ઉધના સુધી રોંગ સાઈડ ગઈ હતી. બસ સ્ટેશનથી ઉધના એમ ત્રણ થી ચાર કિલોમીટર સુધી એસટી બસના ચાલકો દ્વારા બેફામ બનીને રોંગ સાઈડમાં બસ ચલાવવામાં આવી હતી.








