આ સમારોહમાં રાજ્યભરના 673 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સર્ટિફિકેટ અને એવોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.
(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૫
આ સન્માનિત થતાં વિદ્યાર્થીઓમાં 380 જેટલા વિદ્યાર્થીઓ SSC તથા HSCમાં 70% થી વધુ માર્ક્સ મેળવનાર હતા, જ્યારે 80 જેટલા વિદ્યાર્થીઓ કોમર્સ, સાયન્સ અને આર્ટ્સમાં 60% સાથે ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા હતા. સાથે સાથે 30થી વધુ માસ્ટર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓની સાથે 36 જેટલા આલિમ, હાફિઝ, કારી અને મુફ્તી પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનો પણ સન્માન થયો હતો. તેમજ વર્ષ 2025માં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરીને ડોક્ટર તરીકે પદવી મેળવનાર 21 વિદ્યાર્થી, બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને 36 જેટલા સરકારી નોકરી મેળવનાર વિદ્યાર્થીઓને પણ માનપત્ર આપવામાં આવ્યા હતા. અન્ય ડિપ્લોમા, પ્રોફેશનલ ડિગ્રી અને અન્ય કોર્સીસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કુલ સન્માનિત થયેલ વિદ્યાર્થીઓમાં 50 ટકાની ભાગીદારી દીકરીઓની રહી હતી, જે નોંધપાત્ર બાબત છે.
કાર્યક્રમની શરૂઆત કુરઆન પાઠથી કરવામાં આવી હતી ત્યારબાદ સમાજના સેક્રેટરી એડવોકેટ સલીમભાઈ અગોલિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. સ્ટેજ ઉપર ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ફૂલ, સાલ અને મોમેન્ટો દ્વારા વિવિધ જિલ્લાના કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મુંબઇથી એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ (AMP) ના નેશનલ પ્રેસિડન્ટ જનાબ આમિર ઈદ્રિશી હાજર રહ્યા હતા.
આમિર ઈદ્રિશી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ઘાંચી સમાજ ગુજરાતનો સૌથી મોટો મુસ્લિમ સમાજ છે અને એટલા માટે સમાજનો ફરજ છે કે તે શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે આગેવાની કરે. તેમણે વધુમાં જણાવ્યું કે AMP ભારતમાં 200 જેટલા શહેરોમાં અને 20થી વધુ દેશોમાં કાર્યરત છે, અને તેમની વિવિધ યોજનાઓ જેમ કે ઝકાત આધારિત સ્કોલરશીપ સિસ્ટમ, ઓનલાઇન એજ્યુકેશન સપોર્ટ, ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ, પેરેન્ટ ઓરિયન્ટેશન સેશન અને નેશનલ લેવલ રોજગાર ભરતી મેળાઓમાં ગુજરાત જોડાય તો ગુજરાતના વિદ્યાર્થી અને યુવક-યુવતીઓને વિશાળ લાભ મળી શકે.
તેઓએ ખાસ ભાર મૂક્યો કે આજના સમયમાં સૌથી મોટું રોકાણ જમીન કે દુકાનમાં નથી, પરંતુ શિક્ષણમાં છે. શિક્ષણથી જાત, સમાજ અને રાષ્ટ્ર ત્રણેયની તકદીર બદલાય છે. તેમણે આ સન્માન સમારોહને ખૂબ મહત્વપૂર્ણ ગણાવ્યો અને જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો માત્ર સન્માન નથી, પરંતુ નવી પેઢીમાં આત્મવિશ્વાસ, વિચારશક્તિ અને લક્ષ્ય નિર્ધારણ કરવાની પ્રેરણા છે. વિશેષ મહેમાન તરીકે પધારેલા સમાજના સિનિયર આગેવાન જનાબ બાબુભાઈ ટાડાએ ભાવપૂર્ણ શબ્દોમાં કહ્યું કે સમાજનો આ સફર એક દિવસમાં ઉભું થયેલું નથી. તેમણે યાદ અપાવ્યું કે વર્ષ 1970માં પ્રભાસ પાટણ ખાતે ઘાંચી સમાજનું પ્રથમ સંમેલન યોજાયું હતું અને ત્યારબાદ ખાનપુરમાં સમાજ ભવનની સ્થાપના કરી હતી. તેમને ઉત્સાહપૂર્વક જણાવ્યું કે જ્યારે મોડાસા સમાજે શિક્ષણ, સ્વાસ્થ્ય અને બેન્કિંગ ક્ષેત્રમાં મજબૂત પાયા નાખ્યા ત્યારે તે સમયથી જ વિકાસ યાત્રાની શરૂઆત થઈ હતી. તેમના શબ્દોમાં ગર્વ સાથે નમ્રતા પણ હતી જ્યારે તેમણે જણાવ્યું કે આજે મોડાસા વિસ્તારમાં લગભગ 95 ટકા મુસ્લિમ સમાજ સાક્ષર છે અને તે તમામ પાછળ સામૂહિક એકતાની મહેનત છે. તેમણે ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ આવી સિસ્ટમ ઉભી થાય તેનું આહ્વાન કર્યું.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ધારાસભ્ય જનાબ ઇમરાનભાઈ ખેડાવાલાએ પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું કે ઘાંચી સમાજ છેલ્લા થોડા વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે જાગૃત બન્યો છે અને આજનો કાર્યક્રમ તેની જીવંત સાબિતી છે. તેમણે જણાવ્યું કે દરેક વિસ્તારમાં માર્ગદર્શન કેન્દ્રો, કાઉન્સેલિંગ સેલ અને કારકિર્દી માર્ગદર્શનના કાર્યક્રમો શરૂ થવા જોઈએ જેથી કોઈપણ બાળક માત્ર સિવિલ સર્વિસેસ કે મેડિકલ-ઇન્જિનિયરિંગ સુધી મર્યાદિત ન રહે પરંતુ વિશ્વની સ્પર્ધાત્મક કુશળતાઓમાં આગળ વધે. તેમણે સરકારની ચાલી રહેલી SIR પ્રક્રિયા અંગે ખાસ માર્ગદર્શન આપ્યું અને તમામ પરિવારોને 29 નવેમ્બર પહેલા તમામ દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરી.
પૂર્વ ધારાસભ્ય જનાબ ગ્યાસુદ્દીન શેખે પોતાના સંબોધનમાં જણાવ્યું કે મુસ્લિમ સમાજના તમામ પ્રશ્નોનું એકમાત્ર અસરકારક અને સ્થાયી સમાધાન શિક્ષણ, શિક્ષણ, અને અને શિક્ષણ છે. તેમણે આજના યુવાનોને મોબાઇલ અને સોશિયલ મીડિયા અંગે ચેતવણી આપતા કહ્યું કે મોબાઇલ ‘નેઅમત’ પણ છે અને ‘અઝાબ’ પણ છે. તેનો ઉપયોગ કઈ રીતે થાય તે માણસ નક્કી કરે છે. તેમણે વાલીઓને પણ સલાહ આપી કે સંતાનો પર નજર રાખવી એ નિયંત્રણ નથી પણ જવાબદારી છે. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે શિક્ષણ દરમિયાન અથવા જીવનમાં કોઈપણ એવો પગલું ન ભરવું જેનાથી તેમના માતા-પિતા, સમાજ કે દેશનું નામ ખરાબ થાય.
આ કાર્યક્રમમાં 1200 જેટલા વાલીઓ, વિદ્યાર્થીઓ, સમાજના જવાબદાર સભ્યો, પૂર્વ હોદેદારો અને અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા સાથે સાથે વિવિધ જિલ્લા અને શહેરોમાંથી ઉપસ્થિત સમાજના વરિષ્ઠ હોદેદારો તથા ભૂતપૂર્વ હોદેદારોમાં પૂર્વ ખજાનચી યુસુફ કાકા દમની, પૂર્વ સેક્રેટરી અબ્દુલ કાદરભાઈ દલાલ, પૂર્વ સેક્રેટરી મુસ્તુફાભાઈ ખેડૂવાલા, પૂર્વ પ્રમુખ યુસુફભાઈ લોખંડવાલા, મહેબુબભાઈ ગોગદા, રફિકભાઈ મોટાના, સુલેમાનભાઈ વડગામા, ગુલુભાઈ પાયક, ઇરફાનભાઇ લોખંડવાલા, ફારૂકભાઈ ઘાંચી, એભાભાઇ ભાથાણીયા અને અન્ય અનેક આગેવાનો તથા અલગ અલગ જિલ્લાઓના કારોબારી સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોઈ કારણોસર ઉપસ્થિત ન રહી શકનાર સમાજના હિતેછુ વડીલ કલાનિયા સાહેબની ખાસ દુઆઓ સાથે રહી હતી.
કાર્યક્રમની સફળતા પાછળ અનેક સભ્યો, કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોની મહેનત રહી હતી, જેમાં ખુબ સુન્દર સેવા આપનાર શફીભાઈ ઘાંચી અમદાવાદ , અલ્તાફભાઈ અગોલિયા, મુસ્તાકભાઈ પટેલ, આરીફભાઈ ઝાલોદ, ફિરોજભાઈ ચોટલીયા, યાસીનભાઈ આગવાન, અમીન બિલખીયા, બોટાદ સલીમ, રમજાન મહીડા, અશરફભાઈ ઘાંચી, સુલેમાન ખાનજી, સઈદભાઈ સંતરામપુર, ઉસ્માનભાઈ, અલતાબ ભાઈ ઘાંચી અમદાવાદ, રેકટર શૈખ સાહેબ ફકીર ભાઈ સિદ્દી તેમજ હોસ્ટેલમાં રહેતા સરફરાઝ, સિરાજ અને વિદ્યાર્થીઓની ટીમનો વિશેષ સમાવેશ રહ્યો હતો. તથા મંડપ વ્યવસ્થા, વીડિયો-ફોટોગ્રાફી, ભોજન વ્યવસ્થા, AMC અને મન્સૂરી પરિવાર દ્વારા આપવામાં આવેલ સહકાર પણ નોંધપાત્ર રહ્યો હતો. આ સમગ્ર ઇનામ વિતરણ સમારોહમાં એનાઉન્સર તરીકે હાફિઝ ઉમર મુસાએ સેવા આપી હતી
કાર્યક્રમના અંતે પ્રમુખ હાજી યૂસુફભાઈ સોરઠીયા, સેક્રેટરી એડવોકેટ સલીમભાઈ અગોલિયા, ખજાનચી હાજી હારુનભાઈ કોટલ તેમજ એજ્યુકેશન સમિતિના ચેરમેન મો. ઇદરીશભાઈ મુસાએ તમામ મહેમાનો, કાર્યકર્તાઓ, જેઓનાં નામ લખી શકેલ નથી તેવા સમાજના હિતેછુ સભ્યો તેમજ સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ ધીરજ અને સહકાર આપવા બદલ વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં ઝાલોદથી પધારેલ મૌલાના નિશાર પટેલ સાહેબ ઘ્વારા દુઆઓ કરાવી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.