સુરત, તા.૨૬
સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોન ખાતે ૧૦થી વધુ અધિકારીઓની ઓફિસની બહાર એક અસામાન્ય નોટિસ લગાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, કોઈપણ વ્યક્તિએ મોબાઈલ ફોન લઈને પ્રવેશ કરવો નહીં અને મોબાઈલમાં વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવું નહીં. આ નોટિસ અધિકારીઓના અંગત મદદનીશ (પી.એ.)ની ચેમ્બરની બહાર પણ લગાવવામાં આવી છે, અને તેમાં વિનંતી નહીં પણ “હુકમથી” આ નિયમોનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે.
નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈપણ વ્યક્તિ મોબાઇલ ફોન લઈને ઓફિસમાં પ્રવેશ ન કરે, વિડીયો અથવા ઓડિયો રેકોર્ડિંગ મનાઈ છે અને નવાઇની વાત એ છે કે આ નોટિસ વિનંતી નહીં, પરંતુ ‘હુકમ’ તરીકે લગાવવામાં આવી છે. આ નોટિસ માત્ર અધિકારીઓની કક્ષામાં જ નહીં, પરંતુ પી.એ.ની ચેમ્બર બહાર પણ લગાડવામાં આવી છે, જેના કારણે શંકા અને પ્રશ્નો વધુ ઊભા થયા છે.
આ પ્રકારની નોટિસ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે બેઠેલા અધિકારીઓની કાર્યશૈલી અને ઈરાદાઓ પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે. સામાન્ય જનતાનું માનવું છે કે, જે અધિકારીઓ નિષ્ઠાવાન અને નિષ્પક્ષ હોય, તેમને આ પ્રકારની નોટિસ લગાવવાની કે ડરવાની જરૂર ન હોવી જાેઈએ. સ્થાનિક લોકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અધિકારીઓ ખોટું કરતા હોય અથવા ગેરરીતિ આચરતા હોય ત્યારે જ તેમને ડર હોય છે કે તેમનો ભાંડો ફૂટી જશે. પ્રજાને શા માટે મોબાઈલ ફોન લઈને આવતા રોકવામાં આવે છે? પ્રજાના પ્રશ્નો માટે હાજર રહેતા અધિકારીઓને આખરે કોનો ડર સતાવી રહ્યો છે?
જાે પારદર્શિતાથી કામ કરવામાં આવતું હોય, તો રેકોર્ડિંગ કરવાથી શા માટે વાંધો હોવો જાેઈએ? આશ્ચર્યની વાત એ છે કે, સુરત મહાનગર પાલિકાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર કે અન્ય કોઈ પદાધિકારીની મુખ્ય ઓફિસમાં આ પ્રકારની કોઈ નોટિસ લગાવવામાં આવી નથી. જ્યાં લોકોનું સીધું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા નેતાઓ બેસે છે, ત્યાં મોબાઈલ પર કોઈ પ્રતિબંધ નથી, જ્યારે સામાન્ય ઝોન કચેરીના અધિકારીઓએ ‘હુકમ‘ બહાર પાડ્યો છે.
આ ઘટના અધિકારીઓની મનમાની અને સરકારી કામકાજમાં પારદર્શિતાના અભાવ તરફ ઈશારો કરે છે. આ નિયમથી સ્પષ્ટ થાય છે કે અધિકારીઓ પ્રજાના પ્રશ્નોના નિરાકરણમાં પારદર્શિતા રાખવાને બદલે પોતાને રેકોર્ડ થતા અટકાવવા માંગે છે, જે પ્રજાના અધિકારોનું ઉલ્લંઘન છે. આ મામલે પાલિકા કમિશનર શાલીની અગ્રવાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાે કે સંપર્ક થઈ શક્યો નથી. આ સાથે જ મેયરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સંપર્ક થઈ શક્યો નથી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, “અધિકારીઓ ખોટું કરતા હોય ત્યારે જ તેમને ડર હોય. પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે બેઠેલા અધિકારીઓ મોબાઇલથી કેમ ડરે?” નાગરિકોનો વધુ એક સવાલ એ છે કે મનપાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર અથવા અન્ય પદાધિકારીઓની ઓફિસમાં આવી કોઈ નોટિસ નથી-તો પછી કતારગામ ઝોનમાં જ આ પ્રકારની કડક નોટિસની જરૂર કેમ પડી? પ્રજાના પ્રશ્નો માટેના અધિકારીઓને કોનો ડર તેવો સવાલ નાગરિકો પુછી રહ્યા છે.








