- શું સરકાર ડ્રગ્સથી ગુજરાતને નષ્ટ કરવા માંગે છે? ડ્રગ્સ પકડાય છે પણ ડ્રગ્સ માફિયા કેમ પકડાતા નથી?
- કોંગ્રેસે અંગ્રેજાેને હટાવ્યા હતાં તો તમારા જેવા મુઠ્ઠીભર અધિકારીઓથી અમે ડરવાના નથી: દુધાત
સુરત, તા.૨૭
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે. પોલીસ સામે કરાયેલી ટીકા બાદ જાણે રાજ્યમાં ‘પોલીસ વર્સીસ વિપક્ષ‘ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સિલસિલામાં હવે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે સુરતની મુલાકાત લઈ સરકાર અને પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે. આજે સુરતમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રતાપ દૂધાતે ડ્રગ્સ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રોને ટાંકીને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ડ્રગ્સ અને નશાના કારોબારનો મુદ્દો ટોચ પર છે. આ મુદ્દે સરકારને ઘેરતા સુરત આવેલા પ્રતાપ દૂધાતે જણાવ્યું હતું કે, પંજાબ ડ્રગ્સના કારણે ‘ઉડતા પંજાબ‘ તરીકે ઓળખાતું હતું અને ત્યાંની યુવાની બરબાદ થઈ હતી. આજે ગુજરાતની સ્થિતિ તેનાથી પણ બદતર બની રહી છે. ગુજરાત હવે ‘ઉડતા ગુજરાત‘ નહીં પરંતુ ‘ઝૂમતા ગુજરાત‘ બની ગયું છે. તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, પહેલા સુરત અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં રેવ પાર્ટીઓના કિસ્સા સંભળાતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી છે કે ગામડાઓ સુધી ડ્રગ્સના ઇન્જેક્શન અને પડીકીઓ પહોંચી ગઈ છે. દારૂ અને ડ્રગ્સ એ કોઈ એક પક્ષનો નહીં પણ સમગ્ર જનતા અને આવનારી પેઢીના ભવિષ્યનો પ્રશ્ન છે. શું સરકાર ડ્રગ્સથી ગુજરાતને નષ્ટ કરવા માંગે છે? તેવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
રાજ્ય પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા દૂધાતે કહ્યું હતું કે, ગુજરાત પોલીસ સંસ્કારી અને વિવેકી હોવી જાેઈએ, પરંતુ અત્યારે પોલીસ ‘લાજવાને બદલે ગાજવાનું‘ કામ કરી રહી છે. તેમણે સીધો પડકાર ફેંકતા કહ્યું કે, હું ગુજરાત પોલીસને ચેલેન્જ કરું છું કે જાે તમારામાં હિંમત હોય તો નિર્દોષ લોકોને કે કોન્સ્ટેબલોને દબાવવાને બદલે ડ્રગ્સ માફિયાઓને પકડો. જાે તમે ડ્રગ્સ માફિયાઓને પકડશો તો કોંગ્રેસ તમારું જાહેર સન્માન કરશે.તેમણે ઉમેર્યું કે, ડ્રગ્સ પકડાય છે પણ ડ્રગ્સ માફિયા કેમ પકડાતા નથી? આ ડ્રગ્સ કોણે મંગાવ્યું અને કોને આપવાનું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કેમ થતી નથી? આ પ્રશ્નો શંકા ઉપજાવે છે.
પોતાના આક્રમક તેવર માટે જાણીતા પ્રતાપ દૂધાતે કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને આડે હાથ લીધા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, અમુક અધિકારીઓ વર્દીની ગરિમા ભૂલીને રાજકીય પાર્ટીના એજન્ટ બની ગયા છે. દૂધાતે માંગ કરી હતી કે, કેટલાક આઇપીએસ અધિકારીઓની સંપત્તિની તપાસ થવી જાેઈએ. કયા સોર્સથી અને કયા ‘બે નંબર‘ના ધંધાથી આ પૈસા આવ્યા છે, તેની એજન્સી દ્વારા તપાસ થવી જાેઈએ. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, પોલીસને કહેવા માગુ છું કે સરકાર આજે છે અને કાલે નથી. ખોટા લોકોના પટ્ટા આજે નહીં તો કાલે ઉતરવાના જ છે. કોંગ્રેસે અંગ્રેજાેને હટાવ્યા હતા, તો તમારા જેવા મુઠ્ઠીભર અધિકારીઓથી અમે ડરવાના નથી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસ નેતાએ ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના વખાણ કર્યા. પ્રતાપ દૂધાતે કહ્યું કે, કુમારભાઈ એક નીડર અને જાંબાઝ વ્યક્તિ છે. તેઓ જનતાના પ્રશ્નો માટે અવારનવાર સરકારને પત્રો લખે છે અને જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવે છે. પરંતુ દુ:ખની વાત એ છે કે સરકાર તેમના જ ધારાસભ્યના પત્રોની કોઈ ‘વેલ્યુ‘ કરતી નથી. સરકાર પત્રનો જવાબ આપવાનું કે સમસ્યા ઉકેલવાનું ભૂલી ગઈ છે. અંતમાં દૂધાતે ડ્રગ્સના દૂષણને ડામવા માટે સરકાર પાસે માંગ કરી હતી કે ડ્રગ્સની લતમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢવા સરકારે કેટલા ‘આઈસોલેશન સેન્ટર‘ ખોલ્યા છે? તેનો હિસાબ આપે. તેમણે જાહેરાત કરી હતી કે વ્યસની લોકોને મદદ કરવા માટે કોંગ્રેસ હેલ્પ સેન્ટર શરૂ કરવાનો પ્રયાસ કરશે. સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જાે પોલીસ કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ હવે કાયદાકીય લડત લડશે અને જરૂર પડ્યે ‘જનતા રેડ‘ પણ કરશે.








