વહીવટી તંત્રએ એમ્બ્યુલન્સ સમયસર નહિં બોલાવી હોવાનો આક્ષેપ
વિદ્યાર્થીના આપઘાત મામલે વિદ્યાર્થીઓનો SVNIT સંસ્થા સામે વિરોધ
સુરત, તા.૦૧
સુરતની પ્રતિષ્ઠિત એસવીએનઆઈટી (SVNIT ) સંસ્થામાં કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થી અને કેરળના રહેવાસી અદ્વૈત નાયરે ૩૦ નવેમ્બરની રાત્રે હોસ્ટેલમાંથી કૂદીને આપઘાત કરી લેતા કેમ્પસમાં ભારે રોષ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડીંગની બહાર એકઠા થઈને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે, કારણ કે પરીક્ષામાં નાપાસ થવાના તણાવમાં રહેલા અદ્વૈત માટે આપઘાતની ઘટના બાદ લગભગ ૩૦ મિનિટ સુધી એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી હોવાના અને ત્યારબાદ હોસ્પિટલે પણ સારવાર શરૂ કરવાને બદલે ફોર્મ ભરવાની પ્રાથમિકતા આપી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. વધુમાં, વિદ્યાર્થી છેલ્લા ચાર મહિનાથી ક્લાસ અને પરીક્ષાઓમાંથી ગેરહાજર હોવા છતાં તંત્રએ તેની ચિંતા ન કરી હોવાનો આક્ષેપ થતા, આ સમગ્ર ઘટનાએ સંસ્થાની ઇમરજન્સી પ્રતિભાવ પ્રણાલી અને વિદ્યાર્થી સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, જેના જવાબદાર લોકો સામે વિદ્યાર્થીઓ કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. દેશની પ્રતિષ્ઠિત સંસ્થા SVNIT કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી અદ્વૈત કરૂણ આપઘાત બાદ કેમ્પસમાં ભારે રોષ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ ઘટનાએ સંસ્થાના વહીવટી તંત્ર અને ઇમરજન્સી પ્રતિભાવ પ્રણાલીની ગંભીર બેદરકારીને ઉજાગર કરી છે, જેના કારણે વિદ્યાર્થીઓના મૃત્યુ માટે સીધા આક્ષેપો થઈ રહ્યા છે. અદ્વૈતના માતા-પિતા ઓમાનમાં રહે છે અને દીકરાના આપઘાતની જાણ થતાં જ તેઓ સુરત દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે હાજર વિદ્યાર્થીઓએ કરેલા આક્ષેપો તંત્રની ઘોર બેદરકારી તરફ ઈશારો કરે છે. ઘટના રાત્રે ૧૦:૩૦થી ૧૧:૦૦ વાગ્યાની વચ્ચે બની હતી, જ્યારે અદ્વૈત ભાભા ભવન બોયઝ હોસ્ટેલના એચ નંબર બિલ્ડીંગના રૂમ નંબર ૨૨૨માં રહેતો હતો અને સંભવત: પાંચમાં માળેથી કૂદ્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં તેને જ્યારે સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, ત્યારે તે સતત ‘લેટ મી ડાય‘ કહી રહ્યો હતો. વહીવટી તંત્રને જાણ કરી હોવા છતાં એમ્બ્યુલન્સ બોલાવવામાં વિલંબ થતાં વિદ્યાર્થીનું મોત થયાના આક્ષેપ સાથે કેમ્પસમાં ભારે વિરોધ સર્જાયો. આ ઘટનાના સાક્ષી રહેલા વિદ્યાર્થીઓએ વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આપઘાતની ઘટના બાદ તુરંત જ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં પણ એમ્બ્યુલન્સ સમયસર ઘટનાસ્થળે પહોંચી નહોતી. લગભગ ૩૦ મિનિટ સુધી કેમ્પસમાં એમ્બ્યુલન્સ આવી નહોતી. વધુમાં, વિદ્યાર્થીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે SVNIT કેન્ટીન નજીક જ એક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોય છે, પરંતુ તે પણ તાત્કાલિક મદદ માટે પહોંચી શકી નહોતી.
વિદ્યાર્થીના મૃત્યુ અને વહીવટી તંત્રની બેદરકારીને પગલે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડીંગની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલિક ન્યાય તથા જવાબદારી નક્કી કરવાની માગ કરી હતી. આ સમગ્ર ઘટનાએ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ઇમરજન્સી પ્રતિભાવ પ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. વિદ્યાર્થીઓ વહીવટી તંત્ર પાસેથી આ બેદરકારી અંગે સ્પષ્ટતા અને જવાબદારીપૂર્વક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. અભિષેક મિશ્રાએ વધુમાં ઉમેર્યું કે, ગેટની બહાર માત્ર અડધો કિલોમીટર દૂર જ ત્રણ એમ્બ્યુલન્સ સુધી ઊભી હોય છે, તેમ છતાં કોલેજની અંદરની એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ બહારથી એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી, અને સ્ટાફ તરફથી કોઈ વ્યક્તિગત વાહનની પણ મદદ મળી નહોતી, જ્યારે અદ્વૈતને ગંભીર ઇજા થઈ હતી. વિદ્યાર્થીઓને જ્યારે બહારની એમ્બ્યુલન્સ દ્વારા સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી સન ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યારે પણ બેદરકારીનો સિલસિલો ચાલુ રહ્યો. વિદ્યાર્થીઓએ હોસ્પિટલ પર પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે સારવાર શરૂ કરવાને બદલે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફી અને ફોર્મ ભરવાની વાતો કરવામાં આવી હતી.
આ ઘટનામાં સૌથી મોટો સવાલ SVNIT તંત્રની જવાબદારી પર ઉભો થયો છે. અદ્વૈતના રૂમ મેટે જે ચાર દિવસ પહેલા જ વતન એમપી ગયો હતો જાણકારી આપી છે કે, અદ્વૈત છેલ્લા ચાર મહિનાથી એકપણ ક્લાસમાં જતો નહોતો અને એક પણ પરીક્ષા આપી નહોતી. આર્યન સિંહ રાજપૂતે આક્ષેપ કર્યો કે, દેશની આટલી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જાે કોઈ વિદ્યાર્થી સતત ચાર મહિનાથી ગેરહાજર હોય, તો તેની મનોસ્થિતિ અંગે તંત્ર દ્વારા કાળજી લેવામાં કેમ ન આવી? આ સંકેતો મળવા છતાં કોઈ કાર્યવાહી ન કરવી એ વહીવટી તંત્રની સંવેદનહીનતા દર્શાવે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચાડવાની અને ત્યારબાદ હોસ્પિટલની બેદરકારીને કારણે અદ્વૈતને જિંદગી ગુમાવવી પડી છે, જે સીધી રીતે ‘તંત્ર દ્વારા કરવામાં આવેલી બેદરકારી‘ છે. વિદ્યાર્થીઓ આ અંગે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.








