સુરત, તા.૦૪ સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં એક માસૂમ બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શહેરના વરીયાવી બજાર વિસ્તારમાં આવેલ ધાસ્તીપુરાના ગુલશન પાર્ક ખાતે આ દર્દનાક ઘટના બની હતી, જ્યાં ચાર વર્ષની બાળકી પર શ્વાને અચાનક હુમલો કર્યો હતો. મહત્વનું છે કે, માસૂમ બાળકો પર સુરત શહેરમાં રખડતા કુતરાના હુમલાની ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે.
મળતી માહિતી મુજબ, આજે બપોરના સમયે ચાર વર્ષની બાળકી તેના ઘરની નજીક અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન, અચાનક એક રખડતા શ્વાને બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને પકડી પાડી હતી અને તેના માથા, કાન, ગાલ અને આંખ સહિત શરીરના વિવિધ ભાગો પર આડેધડ બચકા ભર્યા હતા. બાળકીની ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ બાળકીને શ્વાનના પંજામાંથી છોડાવીને બચાવી હતી.
આ હુમલામાં બાળકીને શરીર પર ૧૦થી વધુ ગંભીર ઈજાના નિશાન થયા હતા. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાંથી મળતી વિગત મુજબ, બાળકીની પ્રાથમિક સારવાર ઇમરજન્સી વિભાગમાં કરવામાં આવી હતી, ત્યારબાદ તેને વધુ સારવાર અને ઈજાઓના નિદાન માટે સર્જરી વિભાગમાં ખસેડવામાં આવી છે. બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેના પર શસ્ત્રક્રિયાની જરૂર પડી શકે છે.
પીડિત બાળકીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશ (યુપી)નો છે અને હાલમાં સુરતના વરીયાવી બજાર ધાસ્તીપુરા ખાતેના ગુલશન પાર્કમાં રહે છે. બાળકીના પિતા શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માતા-પિતા અને બાળકી સહિત અન્ય ત્રણ બહેનો છે. પિતાની મર્યાદિત આવક વચ્ચે બાળકી પર થયેલા આ જીવલેણ હુમલાથી પરિવાર પર આભ ફાટી પડ્યં છે અને તેઓ ચિંતાતુર બન્યા છે. આ વિસ્તારમાં શ્વાનના હુમલાની આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જાેવા મળી રહ્યો છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે, વિસ્તારમાં રખડતા શ્વાનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમની નસબંધીની કાર્યવાહી કે અન્ય કોઈ નિયંત્રણની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા અસરકારક રીતે કરવામાં આવતી નથી. લોકોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.