આરોપી રીઝવાન લિંબાડા DRI વિભાગમાં હાજર નહી થતા દાણચોરીના કેસમાં DRIની અરજી પર વિચારણા કરવા કોર્ટનો ઈન્કાર
(સિટી ટુડે) સુરત,તા.૦૪
રૂ.૨૩ કરોડથી વધુના સોનાની દાણચોરીના કેસમાં મુખ્ય માસ્ટર માઈન્ડ ગણાતા દુબઈના રીઝવાન લિંબાડાને શરતોને આધીન આગોતરા જામીન સુરત સેશન્સ કોર્ટે મંજૂર કર્યા હતા. શરતો મુજબ આરોપી રીઝવાન ડીઆરઆઈ વિભાગમાં હાજર નહી રહીને જામીન શરતનો ભંગ કરવાના કારણોસર ડીઆરઆઈ તરફેના ખાસ સરકારી વકીલે આરોપીના આગોતરા જામીન રદ કરવા અને તેને ન્યાયિક કસ્ટડીમાં લેવા અરજી કરી હતી. જોકે, કોર્ટે બંને પક્ષની દલીલો અને રેકર્ડ પરના પુરાવા ધ્યાને લઈ આ અરજી પર કોઈ વિચારણા કરવાની જરૂર નથી તેમ જણાવી અરજી ફગાવી દીધી.
કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૩ના જુલાઈમાં ડીઆરઆઈએ સુરત એરપોર્ટ ઉપરથી ૨૩ કરોડથી વધુના સોનાની દાણચોરીનો કેસ પકડ્યો. જેમાં ભરૂચના રીઝવાન લિંબાડા(હાલ રહે.દુબઈ)ની સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં રીઝવાન લિંબાડા મુખ્ય લાભાર્થી, ફાઈનાન્સર અને સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું ડીઆરઆઈની તપાસમાં ખુલ્યું હતું. આરોપી લિંબાડાએ સિનિયર વકીલ કલ્પેશ દેસાઈ અને ઝફર બેલાવાલા મારફતે સુરત સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન અરજી કરી હતી. ડીઆરઆઈ સમક્ષ હાજરી પુરાવા સહિતની શરતો લાદીને સુરત કોર્ટે જામીન આપ્યા હતા. દરમિયાન આરોપી રીઝવાન લિંબાડાના આગોતરા જામીન નામંજૂર કરવા ડીઆરઆઈ તરફેના ખાસ સરકારી વકીલે અરજી કરાઇે. જેમાં સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે શરત મુજબ આરોપી ૧૯,૬,૨૦૨૫ના રોજ સંબંધિત વિભાગ સમક્ષ હાજર રહ્યો ન હતો. જેથી આરોપીને આપવામાં આવેલ આગોતરા રદ કરવા અને ન્યાયિક કસ્ટડીમાં લેવા માટે આદેશ કરવા રજૂઆત કરી હતી.
સિનિયર વકીલ કલ્પેશ દેસાઈ અને ઝફર બેલાવાલાએ સરકારી વકીલની અરજીનો વિરોધ કરતા દલીલો કરી કે, આરોપીને ૧૯,૬,૨૦૨૫ના રોજ સંબંધિત વિભાગ સમક્ષ હાજર રહેવાનુ હતુ. જોકે આરોપીએ અદાલત સમક્ષ સંબંધિત વિભાગ સમક્ષ હાજર રહેવા માટે મુદ્દત વધારવા માટે અરજી દાખલ કરી હતી અને અદાલતે તે અરજી મંજૂર કરી હતી. તે પછી આરોપીએ ૨૫.૮.૨૦૨૫ના રોજ સંબંધિત ડીઆરઆઈ વિભાગ સમક્ષ હાજરી નોંધાવી હતી. કોઈપણ શરતનો ભંગ કર્યો નથી તે દલીલો સાથે આરોપીને આપવામાં આવેલા જામીન રદ કરવા માટે કોઈ કારણ નથી તેવું કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. સુરત કોર્ટે ડીઆરઆઈ વતી થયેલી અરજી ફગાવી ફગાવી દીધી હતી.








