સુરત, તા.૧૯
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષના બિલ્ડરે માત્ર ૧૬ વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી. કિશોરીને અને તેની બહેનપણીને બિલ્ડર ઓલપાડ બાજુ ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરીને સલાડ કાપવાના બહાને રસોડામાં મોકલી બિલ્ડરે પાછળથી અંદર પહોંચી જઈ તેની સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ ઘરે આવી સઘળી હકીકત તેની માતાને જણાવતા તેઓએ આ મામલે બિલ્ડર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તરાખંડના વતની અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાની ૧૬ વર્ષની દીકરીને કાપોદ્રા વિસ્તારમાં આવેલી મમતા પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર કિશોર ડાયાણીએ પોતાની હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી પરિણીતાએ બિલ્ડર કિશોર ડાયાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ગત ૧૨ જૂનના રોજ સાંજે પરિણીતાની દીકરી અને તેની બહેનપણી નાસ્તો લેવા માટે ગયા હતા. આ સમયે અમરોલી શ્રીરામ ચોકડી પાસે કિશોર ડાયાણી મળી ગયો હતો. જે કિશોરીની બહેનપણીને ઓળખતો હતો. જેથી કિશોર ડાયાણીએ બંને બહેનપણીઓને ફાર્મ હાઉસમાં પાર્ટી માટે જણાવ્યું હતું. જેથી બંને તૈયાર થતા તેઓ ફાર્મ હાઉસમાં ગયા હતા. જાેકે ત્યાં કિશોર ડાયાણી તથા બહેનપણીઓએ પાર્ટી કર્યા બાદ કિશોર ડાયાણીએ ૧૬ વર્ષની કિશોરીને સલાડ કાપવાને માટે રસોડામાં મોકલી હતી. જ્યારે તેની બહેનપણી ફાર્મ હાઉસમાં નીચે બેઠી હતી.
કિશોરી સલાડ કાપવા માટે રસોડામાં જતા જ કિશોર ડાયાણી પાછળથી તેની પાસે પહોંચી ગયો હતો અને તેને પકડી લઈ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે બાદમાં કિશોરીએ ઘરે આવી સઘળી હકીકત તેની માતાને જણાવી હતી. જેથી તેઓએ આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બિલ્ડર કિશોર ડાયાણી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
