(સિટી ટુડે) સુરત, તા. ૨૮હીરાદલાલ અમીશ લહેરીએ વેપારી જીગર પટેલ પાસેથી અફઝલને હીરા અપાવ્યા હતા
મહિધરપુરા હીરાબજારમાં હીરાનો વેપાર કરતા વેપારી પાસેથી હીરા દલાલે રૂ. ૧.૧૪ કરોડના હીરા વેચાણ કરવાના બહાને એક ઠગને બતાવી તે હીરા સગેવગે કરી છેતરપિંડી કરી હતી. આ કેસમાં આરોપી અફઝલશાહ કાદરીએ કરેલી જામીન અરજી કોર્ટે મૂળ ફરિયાદી તરફેના વકીલ નદીમ ચૌધરીની દલીલો બાદ નામંજૂર કરી હતી.
આ કેસની વિગત અનુસાર સગરામપુરા વિસ્તારમાં કૈલાશનગર પાસે રવીકિરણ એપાર્ટમેન્ટમાં રહેતા જીગર શૈલેષ પટેલ મહિધરપુરા હીરા બજારમાં હીરા લે વેચનું કામ કરે છે. દરમિયાન હીરા દલાલીનું કામ કરતા અમિશ હરીશભાઈ લહેરી જે હીરા દલાલીનું કામ કરતો હોય તે હીરા વેપારી જીગર પટેલના પરિચયમાં હતો. અમીશ લહેરી એ વેપારી જીગર ની મુલાકાત અફઝલશાહ અકબરશાહ કાદરી (રહે. કાદરી મેન્શન, મિરચી ગલી, નાનપુરા) સાથે કરાવી હતી. અફઝલ સારા વેપારી હોવાનું અને બજારમાં તેની સારી શાખ હોવાનું જણાવી તેને ગઈ તા. ૬ જૂન ૨૦૨૪ના રોજ રૂ. ૧.૧૪ કરોડના હીરા વેચાણ માટે આપ્યા હતા. જેનું પેમેન્ટ થોડા સમયમાં આપી દેવાનું જણાવ્યું હતું. જોકે પેમેન્ટ નહીં ચૂકવી દલાલ અને અફઝલ કાદરીએ છેતરપિંડી કરી હતી. આ મામલે હીરા વેપારી જીગર પટેલ દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપી અફઝલ કાદરીની ધરપકડ કરી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં આરોપી અફઝલએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં મૂળ ફરિયાદી તરફે એડવોકેટ નદીમ ચૌધરીએ હજાર રહી જામીન અરજી નામંજૂર કરવા દલીલ કરી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ આરોપીના જમીન નામંજૂર કર્યા હતા.