(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૫
ગુજરાતમાં વિકાસની વાતો વિશ્વ સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ આ વિકાસની ગતિ વચ્ચે ભ્રષ્ટાચાર વેગ પકડી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ગુજરાત માં છેલ્લા કેટલાક સમયથી નકલીનો દૌર ચાલ્યો છે. ખાવા પીવાની વસ્તુઓ નકલી કે ડુપ્લીકેટ આવતી ત્યાં સુધી તો ઠીક હતું. પરંતુ હવે નકલી ઓફિસર, નકલી કચેરી, નકલી ચલણી નોટો અને હવે તો હદ્દ થઇ ગઈ રાજકોટના પીપળીયામાંથી નકલી શાળા ઝડપાઇ છે.
રાજ્યમાં સરકાર શું કરે છે તે હવે તો સમજવું મુશ્કેલ બન્યું છે. કારણ કે સરકારી વિભાગોમાં જ સૌથી વધુ કૌભાંડો ચાલી રહ્યા છે. રાજકોટ-માલિયાસણના પીપળીયામાંથી નકલી શાળા ઝડપાઇ છે. કોઈ પણ પ્રકારની માન્યતા વગર શાળા ધમધમી રહી હતી. શિક્ષણ વિભાગને જાણ થતા તેમને હાલ તો ત્વરિત પગલાં લીધા છે. જેમાં તેમણે ગૌરી પ્રિ પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્રારા સીલ મારવામાં આવ્યું છે. કાર્યવાહી બાદ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. હવે અહીં પ્રશ્ન એ છે કે જે બાળકો આ શાળામાં ભણતા હતા તેમનું શું ? બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર લોકોને સરકાર સજા કરે કે પછી એ લોકો પણ આમ જ છૂટી જશે ?