(સિટી ટુડે) ઇડર, તા.૦૮
ઇડર-વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરા એક બાદ એક વિવાદમાં ફસાતા જાય છે. અગાઉ મહિલા જિલ્લા સદસ્ય સાથે બેહુદા વર્તન બાદ લોકસભાની ચૂંટણીમાં પણ ક્ષત્રિય સમાજના યુવાનો સામે સીધા સંઘર્ષમાં આવી મોટો વિવાદ ઉભો કર્યો હતો.
ઇડરના રામદ્વારા મંદિરથી ૨૬મી રથયાત્રાના પ્રારંભ પૂર્વે રમણલાલ વોરા દર્શન અને રથને પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. દરમિયાન થોડી જ વારમાં પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ નટુ પરમાર પણ ત્યાં પહોંચ્યા હતાં. બન્ને નેતાઓ વચ્ચે ઔપચારિક વાતચીત બાદ કોઇક વાતે રમણ વોરાએ પિત્તો ગુમાવી નટુ પરમારને ગાળો બોલી અપમાનિત કર્યા હતા. વોરા એ ચિમકી આપી હતીકે, તને જોઇ લઈશ. નટુ પરમારે પણ ધામિર્ક પ્રસંગમાં મોટો બખેડો ઊભો ન થાય તે માટે ‘થાય તે કરી લેવાનું’ અને ‘આજથી હું તમારી સાથે નહીં પણ સામે છું’ તેમ કહી ચાલતી પકડી હતી. મંદિર પરિસરમાં જગન્નાથના ભક્તો, પોલીસ કર્મીઓ અને ભાજપના કાર્યકરોની હાજરીમાં રમણ વોરાના વર્તનથી અપમાનિત થયેલા પ્રદેશ ભાજપના આગેવાને સમગ્ર ઘટના બાબતે ભાજપની ઉચ્ચ નેતાગીરીનું ધ્યાન દોરી કાર્યવાહી કરવા માંગ કરી છે. આ સાથે જ તેઓએ જરૂર પડે તો આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.