નવી દિલ્હી, તા.૨૩
દેશભરના અનેક રાજ્યોમાં ૧૯ એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. જાે કે આ પહેલા તબક્કાના મતદાને રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. એમા પણ ખાસ કરીને ભાજપની ચિંતા વધી છે. મીડિયા રિપોર્ટ મુજબ પહેલા તબક્કાના મતદાનમાં નિરુત્સાહી મતદારો અને ઓછા મતદાનના મુદ્દા સોમવારે રાતે ભાજપની બેઠકમાં ચર્યાયા. ઓછા મતદાન મુદ્દે થયેલી આ બેઠક સોમવારે મોડી રાત સુધી ચાલી હતી. બેઠકમાં જેપી નડ્ડા, અમિત શાહ અને રાષ્ટ્રીય મહામંત્રી હાજર રહ્યા. અત્રે જણાવવાનું કે સોમવારે ઉત્તર પ્રદેશના અલીગઢમાં પણ પોતાની એક રેલીમાં પીએમ મોદીએ ઓછા મતદાનનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું જેમાં ૧૦૨ સીટ પર મતદાન થયું. પહેલા તબક્કામાં ફક્ત ૬૩ ટકા જેટલું મતદાન નોંધાયુ છે. આંકડા જાેઈએ તો યુપીમાં આ વખતે સાત ટકા જેટલું ઓછું મતદાન થયું છે. યુપી જેવા અત્યંત મહત્વના રાજ્યમાં આટલું ઓછું મતદાન? એ જ રીતે બિહાર અને મધ્ય પ્રદેશમાં પણ ૬ ટકા જેટલું ઓછું મતદાન નોંધાયુ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ ૪ ટકા મતદાન ઘટ્યું છે. હવે આ વખતે ઓછું મતદાન કોના માટે ફાયદો અને કોના માટે નુકસાન એ અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ તેના મનોવૈજ્ઞાનિક પહેલુંને જાેઈએ તો તે ભાજપની ઊંઘ ઉડાડવા માટે પૂરતું બની શકે છે.
ભલે વાતો થતી હોય કે પહેલા તબક્કાના મતદાન બાદ એનડીએ આગળ છે. વિપક્ષ તો દૂર દૂર સુધી ક્યાંય નથી. પરંતુ હવે જ્યારે ઓછું મતદાન થયું છે તો બધાના મનમાં એક પ્રશ્ન ઘૂમી રહ્યો છે કે આ ઓછું મતદાન કોને નુકસાન પહોંચાડશે. બહું આંકડામાં ન પડીએ તો પણ એટલું કહી શકીએ કે એક્સ્ટ્રિમ વોટિંગ એ પરિવર્તનનો સંકેત આપતું હોય છે. એક્સ્ટ્રીમ વોટિંગ એટલે કાં તો વધુ પડતું મતદાન થાય અથવા તો ઓછું મતદાન થાય.
બેઠક બાદ કાર્યકરો અને પેજ પ્રમુખોને સંદેશ આપવામાં આવ્યો છે. તેમને કહેવાયું છે કે મતદારોને ઘરમાંથી બહાર નીકળીને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં જેપી નડ્ડા, અમિત શાહ અને રાષ્ટ્રીય મહામંત્રી હાજર રહ્યા હતા. સોમવારે યુપીના અલીગઢમાં પણ પીએમ મોદીએ રેલીમાં આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ૨૦૧૪માં જ્યારે ભાજપ સત્તામાં આવ્યું હતું ત્યારે ૬૬ ટકા મતદાન થયું હતું. તે પહેલા ૨૦૦૯માં ફક્ત ૫૮ ટકા મતદાન થયું હતું.
જ્યારે ૨૦૧૯માં પણ મતદાન વધીને ૬૭.૪૦ ટકા થયું હતું. જાે કે આ વખતે પહેલા તબક્કાનું મતદાન ફક્ત ૬૩ ટકા જાેવા મળ્યું અને તેને લઈને હવે પાર્ટીમાં ચિંતાનો માહોલ પણ છે.