સુરત, તા.૧૧
થોડા સમયથી રાજ્યમાં ભાજપ સામે વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ભૂવો પડતા વિરોધ કરવા માટે ખાડામાં ભાજપનો ઝંડો લગાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સતત ભુવા પડવાની ઘટનાઓ બની રહે છે. એક બાદ એક ભુવા પડવાને કારણે વહીવટી તંત્ર માટે પણ પડકાર ઊભા થઈ રહ્યા છે, ત્યારે ફરી એક વાર કાપોદ્રામાં રચનાથી મમતા પાર્ક રોડ પર ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. જેને લઇને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઘટના સ્થળ પર પહોંચી ભાજપનો ઝંડો લગાવી દેતા અધિકારીઓ દોડતા થયા હતા. આપના કોર્પોરેટર દ્વારા ભુવા પડવાની જગ્યા પર ભાજપનો ઝંડો લગાડી દેતા અધિકારીઓ દોડતા થયા હતા. ભૂવો પડ્યા બાદ અધિકારીઓને કોર્પોરેટર દ્વારા જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે ઝડપથી કામ શરૂ ન કરતા આખરે કોર્પોરેટર દ્વારા ભાજપનો ઝંડો લગાવી દેવાયો હતો. અધિકારીઓને જાણ થતાની સાથે જ તાત્કાલિક ભુવાના આજુબાજુમાં બેરીકેટ લગાડીને રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.