સુરત,તા.૧૩
ભરૂચમાં ભરતીનો જે વીડિયો સામે આવ્યો હતો, તેને લઈને હવે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ગુજરાતને બદનામ કરવાનું આ કાવતરું છે. આજે સાંજ સુધીમાં આ સમગ્ર બાબતે ખુલાસો થઈ જશે. ભરૂચ જિલ્લાની ઝઘડીયા ય્ૈંડ્ઢઝ્રની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝામાં ગત તા. ૯મી જુલાઈએ કંપનીમાં વિવિધ જગ્યા પર અનુભવ આધારીત ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી હતી. જે અંગેનો વીડિયો વાઇરલ થતાં જ હડકંપ મચી ગયો હતો. રોજગાર માટેની પડાપડીનો વીડિયો વિપક્ષનેતા રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે આ સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે. આજે સાંજ સુધીમાં આ બાબતે ખુલાસો થઈ જશે, કેટલા યુવાનો નોકરી કરતા હતાં? કેટલા ઇન્ટરવ્યૂ લેવાયા છે? કેટલી નોકરી ચાલુ છે? કેટલો પગાર છે? તે તમામ બાબતે આજે ખુલાસો થઈ જશે.