(સિટી ટુડે) અમદાવાદ, તા.૧૫
ગુજરાતમાં કોંગ્રેસે સત્તા પરિવર્તન માટે કમર કસી લીધી છે. આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓને ઓપ આપવા ગુજરાત કોંગ્રેસ સંગઠન માળખામાં ફેરફાર કરી શકે છે. આના પગલે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવા માટે ગુજરાત પ્રભારી પદ પ્રિયંકા ગાંધીને સોંપે તેવી પૂરેપૂરી સંભાવના છે.
ગુજરાત લોકસભાની ચૂટણીમાં પ્રદેશ પ્રમુખ શકિતસિહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં કોંગ્રેસ એક બેઠક તો જીતી પણ આ સાથે ભાજપને પણ ૫ લાખની લીડથી વંચિત રાખવામાં સફળ રહી હતી. આ પછી ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પણ જીતી શકાય છે તેવા વિશ્વાસનો સંચાર કોંગ્રેસમાં થયો છે.
આવા સંજોગોમાં વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળમાંથી ફેરફાર કરવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલના વળપણ હેઠળ જ કોંગ્રેસ ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ ની હેટ્રિક ની ઈચ્છા પૂર્ણ કરવા દીધી નથી. આ જોતા શક્તિસિહ હાઈકમાન્ડ ના ગુડ લિસ્ટ માં છે.
આ બાબતે શકિતસિંહ ગોહિલે કહ્યું હતું કે, હું પાર્ટીનો સૈનિક છું. ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે આવવાની મને ઇચ્છા ન હતી, છતા પાર્ટીએ કહ્યું એટલે હું આવ્યો, પાર્ટીનો સૈનિક છું,પાર્ટી જે આદેશ આપશે તે નીભાવીશ. પ્રદેશ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ભાજપની ૨૬ બેઠકોમાંથી ૨૬ બેઠકની હેટ્રિકને રોકી છે ત્યારે ગુજરાતમાં સત્તા પરિવર્તન થઇ શકે છે તેવો વિશ્વાસ કોંગ્રેસને આવી ગયો છે. આથી રાહુલ ગાંધીએ પણ સાંસદમાં અને પછી ગુજરાતમાં પણ કહ્યું હતું કે, ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવશે. આ માનસિકતા સાથે જ કોંગ્રેસ ગુજરાતમા મોટાપાયે ફેરફાર લાવી રહીં છે.