ભરૂચના કોમ્પ્યુટર ઈજનેર અતહર મન્સુરી અને મુંબઈના અશરફ ઉર્ફે બાલીને એસઓજીએ ઝડપી કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યા
(સિટી ટુડે) સુરત, તા.૨૩
હોડી બંગલા ખાતે ભજીયાની લારી ઉપર ડ્રગ્સનુ વેચાણ કરતા પકડાયેલા ત્રણ પેડલરોએ ભરૂચના કોમ્પ્યુટર ઈજનેર અતહર મન્સુરી અને મુંબઈના અશરફ ઉર્ફે બાલી ચોખીયા પાસેથી એમ.ડી.ડ્રગ્સ મંગાવ્યું હતું. સુરત એસઓજી પોલીસે ભરૂચથી કોમ્પ્યુટર ઈજનેર અને મુંબઈના અશરફ ઉર્ફે બાલીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બચાવ પક્ષ તરફે વકીલ ઝફર બેલાવાલા હાજર રહ્યા હતા.
સુરત એસઓજી પોલીસે અતહર મન્સુરી અને અશરફ ચોખિયાની ધરપકડ કરી રિમાન્ડ માટે બંનેને ચીફ કોર્ટમાં રજુ કર્યા હતા. પોલીસ તરફે સરકારી વકીલે દલીલો કરી હતી કે આરોપીઓ કેટલા સમયથી મેફેડ્રોન ડ્રગ્સ વેચાણ કરે છે, બીજા ક્યા ક્યા આરોપીઓની સંડોવણી છે કે કેમ? ડ્રગ્સ ખરીદવા માટે પૈસાની ચુકવણી કઈ રીતે કરતા હતા તે પુછપરછ કરવાની છે ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. બંને આરોપીઓ તરફે વકીલ ઝફર બેલાવાલાએ રિમાન્ડ અરજીનો વિરોધ કરતા દલીલો કરી હતી કે તપાસ કરતા અધિકારીએ આરોપીઓની ૨૪ કલાકની કસ્ટડી સમય મર્યાદા પૂર્ણ થાય તે પહેલા જ પ્રિ મેચ્યોર રિમાન્ડ અરજી કોર્ટમાં રજૂ કરી હતી. ૨૪ કલાકની પુરેપુરી પૂછપરછ કર્યા સિવાય જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓ જે કઈ જાણતા હતા તે તમામ હકીકતો આરોપીઓએ પોલીસને જણાવી પુરેપુરો સાથ સહકાર આપ્યો છે. આરોપીઓ પાસેથી કોઈ ડ્રગ્સ મળી આવ્યુ નથી. સુરત કોર્ટે બંને આરોપીના રિમાન્ડ બે દિવસના મંજુર કર્યા હતા.