સુરત,તા.૨૪
ખાડીપૂરે સુરતની સૂરત બગાડી નાખી છે. ગાડીઓ ડૂબવા લાગી છે, મંદિરો ડૂબ્યાં છે, મકાનો ડૂબ્યાં છે, શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર થવા લાગ્યું છે, સતર્કતાના ભાગરૂપે સતત એનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે. મધરાત સુધીમાં આ સ્થિતિ વધુ વિકટ બની શકે છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાં લાખો શહેરીજનોના જીવ તાળવે ચોંટ્યા છે. સુરત શહેરમાંથી તાપી નદી પસાર થાય છે. આ નદીની સાથે સાથે શહેરમાં ૫ ખાડી છે, જેમાં ભેદવાડ, સીમાડા, મીઠી, ભાઠેના ખાડી અને કાંકરા ખાડીનો સમાવેશ થાય છે.
તંત્ર હાલ સોસાયટીનાં પાણીને ડી વોટરિંગ પમ્પથી ખાડીમાં ઠાલવી રહ્યું છે, પરંતુ ખાડીનું લેવલ જ ઊંચું હોવાથી એનો કોઈ મતલબ રહેતો નથી. આ સ્થિતિથી બચવા માટે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવું એ જ એકમાત્ર ઉપાય રહે છે.
ત્રણ-ત્રણ દિવસથી મેઘરાજાએ આખા શહેરને બાનમાં લીધું છે. રવિવાર અને સોમવારે પડેલા ભારે વરસાદથી સુરતમાં ખાડીપૂર આવ્યું છે. ખાડીપૂરને કારણે પોલીસ સ્ટેશન, સ્કૂલો, ઘરો, દુકાનોમાં પાણી ઘૂસી ગયાં છે. બોટો ફરતી થતાં જ સુરતીઓના જીવ તાળવે ચોંટ્યા છે. સુરતીઓને ૨૦૦૬માં આવેલા તાપીના પૂરની યાદ આવી ગઈ છે. ડૂબતા સુરતનાં દૃશ્યો જોઈ લોકો પણ હવે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે હવે આ સ્થિતિમાંથી બહાર કાઢો, કારણ કે બે ખાડી ઓવરફ્લો થતાં હવે મીઠી ખાડી ઓવરફ્લો થવાની અણીએ છે, જેથી પાણીનું જોખમ હજુ વધવાની શક્યતા છે.
સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણાને કામરેજમાં વરસાદના કારણે ખાડીઓમાં પાણી આવશે. બીજી બાજુ શહેરમાં વરસાદ તેમજ દરિયામાં હાઈટાઈડને કારણે ખાડીમાં પાણીનું સ્તર વધશે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, રાત્રે ૮ઃ૦૦ વાગ્યા સુધી આ સ્થિતિ જોવા મળશે. લગભગ એકથી બે ફૂટ ખાડીનું સ્તર વધી શકે એવી શક્યતા છે. ખાડી નજીક રહેતા લોકોનાં મકાનમાં પાણી આવી શકે છે.
સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે. જ્યારે સીમાડા અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે, જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યાં હોવાથી ખાડીપૂરની સ્થિતિ ઊભી થઈ છે. સીમાડા ખાડી ઓવરફ્લો થતાં ખાડી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે. છેક પૂણા સુધી આ પાણી ભરાયેલાં છે. જ્યારે મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. મીઠી ખાડી વિસ્તારનાં ઘરો ૫૦ કલાકથી પાણીમાં છે. ઘરમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ સુરતમાં વહેલી સવારથી વરસાદ અવિરત વરસી રહ્યો છે. વેસુ મહાવીર યુનિવસિર્ટી વિસ્તારમાં રસ્તા પર ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. કારો અડધી ડૂબી ગયેલી છે.