(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૬
ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદી ગાંડીતૂર બની છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી ૨૩ ફૂટ છે જે હાલ ૨૮ ફૂટ આસપાસ વહી રહી છે. જેના કારણે નવસારી શહેરના ૧૦ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. શહેરના ૧૦ વિસ્તારોમાં ઘર હોય કે દુકાન હોય તમામ જગ્યાએ ૫ થી ૭ ફૂટ પાણી જાેવા મળી રહ્યા છે. પૂર્ણા નદીના આવેલા ઘોડાપૂરના કારણે નવસારી-સુરત હાઈવે સહિત અન્ય કેટલાક રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે. સુરત, વડોદરા બાદ હવે નવસારીમાં જળબંબાકાર થયો છે.
નવસારી જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ તો નથી, પરંતુ ડાંગ સહિતના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં આફત આવી પહોંચી છે. શહેરમાં આવેલા ભેંસદ ખાડા વિસ્તારમાં પૂણા નદીના પાણી ફળી વળ્યા છે.શહેરના ગધેવાન, મોરલો, જૂની મચ્છી માર્કેટ, કમેલા દરવાજા, રંગુન નગર, મિથિલા નગરી, શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં કેડથી લઈને ગળાસમા પાણી ભરાયા છે. જેથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવસારીની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલી શાંતિવન એક સોસાયટીમાં કેડ સમાં પાણી ભરાતા અનેક લોકો ઘરના પહેલા માળે રહેવા મજબૂર બન્યા છે.
પૂર્ણા નદીની જળ સપાટી વધવાની શક્યતાને જાેતા તંત્ર દ્વારા લોકોને સહયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.નવસારી-સુરતને જાેડતા સ્ટેટ હાઇવે પર પણ પૂર્ણા નદીના પાણી ફરી વળ્યાં છે. જેથી આ સ્ટેટ હાઈવેને બંધ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ નવસારી શહેરની સુરત સાથેની કનેક્ટિવિટી બંધ થઈ છે. રાજ્યભરમાં વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચી છે. જેને ધ્યાને લઈ છેલ્લા બે દિવસમાં કુલ ૧૪,૫૫૨ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે જેમાં સુરત જિલ્લામાં ૩,૭૦૭ નાગરિકો, નવસારીમાં ૨,૯૭૮, વડોદરામાં ૧,૮૭૭, પોરબંદરમાં ૧,૫૬૦, જુનાગઢમાં ૧,૩૬૪, ભરૂચમાં ૧,૦૧૭, તાપીમાં ૯૧૮, આણંદમાં ૬૦૪, દેવભુમિ દ્વારકામાં ૩૦૪, વલસાડમાં ૧૫૦, પંચમહાલમાં ૫૬ જ્યારે નર્મદા જિલ્લામાં ૧૭ નાગરિકોને સ્થળાંતરીત કરાયા.
આ ઉપરાંત ભારે વરસાદના કારણે પોતાના વિસ્તારમાં ફસાઈ ગયેલા નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં કુલ ૧,૬૧૭ નાગરિકોનું રેસ્ક્યું કરવામાં આવ્યા છે. જેમાં આણંદ જિલ્લામાં ૫૪૦ નાગરિકો, સુરતમાં ૩૫૩, વડોદરામાં ૨૬૨, જામનગરમાં ૧૫૧, પોરબંદરમાં ૧૨૧, તાપીમાં ૧૦૬, દેવભુમિ દ્વારકામાં ૫૯, ભરૂચમાં ૧૧ તથા નવસારી અને કચ્છમાં ૭ નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.