સુરત,તા.૨૯
ભારે વરસાદ બાદ શહેરમાં સીઝનલ રોગોનો કહેર વર્તાઇ રહ્યો છે. ઝાડા-ઊલ્ટી અને તાવના કારણે લોકોના મોત થઈ રહ્યાં છે. જેમાં બાળકો સૌથી વધુ બિમાર પડી રહ્યાં છે. ગતરોજ તાવ અને ઝાડા-ઊલટીમાં ફરી બે બાળકોના મોત થયા છે. ત્યારે આજે વધુ એક ત્રણ વર્ષની બાળકીનું ઝાડા-ઊલટી શરૂ થયાના અડધા કલાકમાં જ મોત થયું હતું. ઝાડા-ઊલટી શરૂ થતાં પરિવાર તેડીને દવાખાને લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં જ બાળકીનું મોત નીપજ્યું હતું. દીકરીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહારનો બબલુ મહતો પીપલોદ વિસ્તારમાં આવેલા ઈચ્છાનાથ નાકા ખાતે પરિવાર સાથે રહે છે. ચાર મહિના પહેલા બબલુ વતનથી રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. જેમાં ૩ વર્ષની ખુશી કુમારી દીકરી હતી. બબલુ કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. આજે સવારે ૭ વાગ્યે ત્રણ વર્ષની દીકરી ખુશી ઊઠ્યા બાદ ખાધું હતું અને પાણી પીધું હતું. ઝાડા અને ઊલટી શરૂ થઈ ગઈ હતી. સવારે સાત વાગ્યે ઝાડા-ઊલટી શરૂ થતાં નજીકમાં આવેલ દવાખાને તેડીને લઈ જઈ રહ્યા હતા. દરમિયાન જ હલન ચલન બંધ થઈ ગયું હતું અને અડધો કલાકમાં મોતને ભેટી હતી. ત્યારબાદ રિક્ષામાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. દીકરીને મૃત જાહેર કરવામાં આવતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.