(સિટી ટુડે) અમદાવાદ, તા.૩૧
આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહમાં પ્રથમ ન્યાયયાત્રા યોજવામાં આવશે. પ્રથમ ન્યાયયાત્રામાં મોરબીમાં બ્રિજ દુર્ધટના સ્થળેથી શરૂ કરવામાં આવશે. આ ન્યાયયાત્રામાં મોરબી બ્રિજ દુર્ઘટના અને રાજકોટ અગ્રિનકાંડનાં પીડિતોના ન્યાય માટે યોજવામાં આવશે.
ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા બે ભાગમાં ન્યાય યાત્રાનું આયોજન થશે. પ્રથમ ન્યાય યાત્રા ઓગસ્ટના બીજા સપ્તાહમાં મોરબીથી શરૂ થશે. આ ન્યાય યાત્રાનો રૂટ મોરબીથી રાજકોટ, ચોટીલા અને વિરમગામ સુધીનો રહેશે. કોંગ્રેસ દ્વારા રાજકોટ ગેમ ઝોન આગકાંડ, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અને થાન સહિતના પીડિતોને ન્યાય અપાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કાની ન્યાય યાત્રાની શરૂઆત સુરતથી કરવામાં આવશે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રામાં સામેલ થવા માટે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતમાં મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં ૧૩૦ કરતા વધુ લોકોના મોત થયા હતા. તો રાજકોટમાં ગેમઝોનમાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પણ ૨૭ લોકોના મોત થયા હતા. ત્યારબાદ સુરતમાં તક્ષશિલા આગકાંડમાં પણ લોકોના મોત થયા હતા.
- પીડિતોને ન્યાય મળે તે માટે ન્યાય યાત્રાનું આયોજન
રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીથી આ ન્યાય યાત્રાની શરૂઆત થશે.