સુરત, તા.૩
સુરત શહેરમાં એક સમયે શાહપોર ખાતે આવેલી પારસી પંચાયત ટ્રસ્ટની અંગ્રેજી માધ્યમ સર જે.જે સ્કૂલ સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચ પરિણામ ધરાવતી સ્કૂલોમાં ગણાતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્કુલનુ પરિણામ નીચું જઈ રહ્યું છે. તેનુ મુખ્ય કારણ સ્કૂલમાં શિક્ષકોની અછત પણ હોઈ શકે છે અને તે વિદ્યાર્થીઓના ભણતર બાબતનો પણ ગંભીર મુદ્દો છે. સુરત શહેરના એક વકીલ જાવેદ મુલતાનીએ વીદ્યાર્થીઓના ભણતર બાબતે વિચારી સર જે જે અંગ્રેજી માધ્યમ શાળામાં કોમર્સના મુખ્ય ચાર શિક્ષકો ગેરહાજર રહે છે તેવી લેખિત ફરિયાદ શિક્ષણ મંત્રી અને સુરત ડીઈઓને પણ કરી છે.
એડવોકેટ જાવેદ મુલતાનીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર અમાન ધોરણ ૧૧ કોમર્સ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. અને ૧૦ જૂન ૨૦૨૪ ના રોજ શાળા શરૂ થઈ હતી ત્યારથી લઈને આજ દિન શાળામાં ચાર વિષયોના શિક્ષકો સતત ગેરહાજર રહે છે.એકાઉન્ટ, સ્ટેટેસ્ટિક્સ, ઇકોનોમિક્સ, ઓ.સી, ચાર વિષયોના શિક્ષકો સતત ગેરહાજર રહે છે. જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે. અને શાળાના વિદ્યાર્થીઓને રોજ સવારે ચાર પિરિયડ પછી રજા આપી દેવામાં આવે છે અને ચારે ચાર મુખ્ય વિષયો છે તેના શિક્ષકોની ગેરહાજરીથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.
તેમના આવનારા ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે ભણતર કાચું રહે તેમ છે જેથી તાત્કાલિક ધોરણે ચાર વિષયોના શિક્ષકોની માંગને પૂરી કરી શિક્ષકોની ભરતી કરી યા તો શિક્ષકોને શાળાના ખર્ચે બોલાવી ભણતર કરાવવા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશનલ ઓફિસર , શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત સર જેજે શાળાના આચાર્ય અને પારસી પંચાયત ટ્રસ્ટ પાસે કયા કારણોથી ચાર શિક્ષકોની ગેરહાજરી રહે છે તેની વિગતવાર ની માહિતી પણ માગી છે.