(સિટી ટુડે) સુરત,તા.૦૫
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનનાં સગરામપુરા વિસ્તારમાં ચાલતાં ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટરમાંથી તારીખ ૨૩/૦૬/૨૦૨૪ ના રોજ હેલ્થ સેન્ટરમાંથી નીકળતો સર-સામગ્રીનો ભંગાર વેચવામાં આવ્યો હતો,જે ભંગારની જે કોઈપણ રકમ ઉપજી હોય તે રકમ કાયદાનુસાર સુરત મહાનગરપાલિકાની તિજાેરીમાં જમા કરાવવાની હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનનાં ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટરના તબીબો સહિતના સ્ટાફે આ ભંગારની પૂરેપૂરી રકમને પોતાના તથા સ્ટાફને સરખે હિસ્સે વહેંચી પોતાના ભાગે આવતી રકમ સુરત મહાનગરપાલિકામાં જમા કરાવવાને બદલે પોતાને તિજાેરીમાં ભરી છે.
આ ઘટનાની જાણ૧૫૯ પુર્વ વિધાનસભા, યુવક કોંગ્રેસ ના પ્રમુખ મોઈન મેમણને થતા મોઈન મેમણ એ તારીખ ૩૧/૦૭/૨૪ ના રોજ સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલજી ને પત્ર લખી જાણ કરેલી, જેથી સુરત મહાનગરપાલિકાનું સેન્ટ્રલ ઝોનનું આરોગ્ય ખાતું હરકતમાં આવ્યું હતું અને ક્ષેત્રપાલ હેલ્થ સેન્ટર ખાતે આરોગ્ય અધિકારીઓએ ધામા નાખી ભંગાર વેચાણ અંગેની ઘટનાની સ્ટાફ સહિતના તમામને પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ ભંગાર વેચવાના પ્રકરણમાં તબીબો સહિત સ્ટાફ જાેડાયેલો હોય આ ભંગાર વેચાણની ઘટનાને દાબી દેવા સારું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ કામે લાગ્યા.
હદ તો ત્યારે થઈ જ્યારે સુરત મહાનગરપાલિકાના એક નાયબ આરોગ્ય અધિકારી (સર્વેલન્સ) એ સુરત મહાનગરપાલિકાના વિજિલન્સ વિભાગ જાેડે સાંઠ-ગાંઠ કરી અને સુરત મહાનગરપાલિકાનું વિજિલન્સ ખાતું આ ભંગાર વેચાણની ઘટના ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને બેઠું હતું,અને રેડ કરવાની તૈયારીમાં હતું ત્યાં તો આ નાયબ આરોગ્ય અધિકારી (સર્વેલન્સ) એ વિજિલન્સ ખાતાને ન મોકલી આરોગ્ય ની ટીમ મોકલી આ સમગ્ર પ્રકરણ ઉપર પડદો નાખવાની ભૂમિકા ભજવી છે.
વધુમાં મોઈન મેમણ માંગણી કરી છે કે સુરત મહાનગરપાલિકામાં વસતા લોકોના મહેનત અને પરસેવાની કમાણીના રૂપિયા પોતાની તિજાેરીમાં ભરનાર ભંગાર વેચાણના કોભાંડીઓને પકડી ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે અને સુરત મહાનગરપાલિકાના વિજિલન્સ ખાતા ઉપર પણ નમૂનારૂપ કાર્યવાહી કરવામાં આવે.