(સિટી ટુડે) સુરત, તા.૧૦
સારી કંપનીમાં ફોર વ્હીલ ગાડીઓ ભાડેથી મુકાવી માસિક ભાડુ આપવાનું પ્રલોભન આપી કાર અન્ય લોકોને વેચી દેવાનું રેકેટ ચલાવતા રુસ્તમપુરાના બુટલેગર અલ્પેશ જાડિયાની સુરત ઝોન ૪ એલસીબીએ ધરપકડ કરી હતી.
થોડા દિવસ પહેલા બડેખા ચકલા ખાતે રહેતા બાબા દરગાહે તેના સાગરીતો સાથે મળી લિંબાયત વિસ્તારમાં રહેતા એક યુવકની કાર લઈને અન્યને ગીરવે મૂકી દીધી હતી. બુટલેગર બાબા દરગાહ સામે પોલીસમાં આ અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસે બાબા દરગાહની ધરપકડ પણ કરી હતી.
ત્યારબાદ ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી લઈ અન્યને વેચી દેવાનું રેકેટ બહાર આવ્યું હતું. આ રેકેટ અલ્પેશ ઉર્ફે જાડિયા જગદીશ જરીવલા(રહે. સતકેવલ એપાર્ટમેન્ટ સુરમાવાડ રૂસ્તમપુરા સુરત) ચલાવતો હોવાનું સામે આવ્યું હતુ. અલ્પેશ જાડીયો કાર માલિકો પાસેથી સારું ભાડું અપાવવાના બહાને તેમની ગાડીઓ સારી કંપનીમાં મૂકાવવાની લાલચ આપતો હતો. અને કાર માલિકો પાસેથી કાર ભાડેથી આપવાના બહાને લઈ સુરત બહાર ગાડીઓ ગીરવે તેમજ ભાડેથી આપી દીધી હતી. આ અંગે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી આ ઉપરાંત અલ્પેશ જાડિયા વિરુદ્ધ પ્રોહિબિશનના પણ ગુના નોંધાયા છે. અલ્પેશ જાડીયા કુલ ૧૩ ફોરવીલર ભાડેથી આપવાના બહાને માલિકો પાસેથી લઈ આગળ ફેરવી દીધી હતી સુરત એલસીબી ઝોન ફોરએ આરોપી અલ્પેશ જાડિયાની ધરપકડ કરી હતી.