સુરત, તા.૧૩
સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી. યુવતીને ગોંધી રાખી દુષ્કર્મ ગુજાર્યા બાદ યુવતી ભાગી ગઈ હતી. જેથી પ્રેમમાં પાગલ યુવકે જાહેર રોડ પર યુવતીના ગળા પર બ્લેડ મૂકી દીધી હતી. જાેકે એક રાહદારી યુવાને હિંમત કરતા તેના હાથમાંથી બ્લેડ નીચે પાડી દીધી હતી અને યુવતીને છોડાવી હતી. પરંતુ આ ઘટના દરમિયાન ઝપાઝપી થતા રાહદારી યુવાનના હાથમાં બ્લેડ વાગી હતી અને ૧૫ જેટલા ટાંકા આવ્યા હતા. આ ઘટના બાદ પીડિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક એકતરફી પ્રેમમાં પાગલ યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે યુવતીનો જીવ બચાવનાર રાહદારી યુવાનનું ઉચ્ચ પોલીસ કર્મીઓએ સન્માન કરી તેમની હિંમતને બિરદાવી હતી.
આ અંગે ડીસીપી પિનાકીન પરમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તારીખ ૯ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ઝોન ત્રણ વિસ્તારના મહીધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જે વસ્તાદેવડી રોડ શાંતિનિકેતન સોસાયટીની સામે સવારે ૮ઃ૩૦ એક બનાવ બન્યો હતો. જેમાં એક યુવતી એની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તેથી ચાલીને જતી હતી એ દરમિયાન દીપુન જૈના નામનો શખ્સ આવીને લેડીઝનો હાથ ખેંચીને લઈ જતો હતો. આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ યુવકને સવાલો પૂછવાના પ્રયત્ન કરતા યુવકે ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને જે યુવતી હતી એના ગળા ઉપર મૂકીને ધમકી આપી હતી કે કોઈપણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ.
યુવતીના ગળે બ્લેડ મૂકી દીધી હોવાનું જાેતાં જ શાંતિનિકેતન સોસાયટીની આસપાસ રહેતા ચિંતન પટેલ નામના એક યુવકે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી એને ધક્કો મારતા યુવતીને છોડી દીધી હતી. જેથી યુવતી ભાગી ગઈ હતી. પરંતુ દીપુન સાથે ઝપાઝપી કરતા એના હાથમાં રહેલી બ્લેડ ચિંતન પટેલના હાથ ઉપર વાગતા તેમના હાથ ઉપર ૧૫ ટાંકા આવ્યા હતા. આ અંગે પોલીસને જ્યારે ખબર પડી ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મહિધરપુરા પોલીસની ટીમે તપાસ હાથ ધરી રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી દીપુન ઘટનાને અંજામ આપી ઓડિશા ભાગી જવાની ફિરાકમાં હતો. પરંતુ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.