ગુમાસ્તા વિભાગના કામચોર કર્મચારીને કારણે પાલિકાના સ્ટાફને પર્સનલ ઓફિસ પર તેડાવ્યા અને કલાકો સુધી સુધી તતડાવ્યા!
(સિટી ટુડે) સુરત, તા.૧૩
વર્ષોથી એક જ ડિપાર્ટમેન્ટમાં ગોઠવાઈ ગયેલી ત્રીજી શ્રેણીની મહિલા ક્લર્ક માટે રાજ્ય સરકારના પ્રથમ શ્રેણીના મંત્રીએ પાલિકાને માથે લીધી હોવાની ચોંકાવનારી અને ઘૃણાસ્પદ વિગતો બહાર આવી છે.
ટ્રેઈની પિરિયડથી લઈને ત્રીજી શ્રેણીના ક્લાર્ક સુધીના સેવાકાળ દરમિયાન માત્ર એક જ વિભાગમાં ફેવીક્વિકની જેમ ચીપકી ગયેલી મહિલા કર્મચારી સતત મોબાઈલમાં જ મશગુલ રહેલી હોવાથી સાથી કર્મચારીઓમાં રોષ વ્યાપ્ત છે. કામચોરીને કારણે ગુમાસ્તાધારા વિભાગની અનેક ફાઈલો અભરાઈએ ચઢી ગઈ છે જેને કારણે સુરતના અનેક વેપારીઓ પરેશાન થઈ ચુક્યા છે. ગુમાસ્તા વિભાગની ઢીલી કામગારીને કારણે વેપારીઓ પર સીધી અસર પડતી હોય છે પરંતુ અહીં સ્ટાફમાં એક મહિલા કર્મચારીને કારણે કચેરીનું વાતાવરણ દૂષિત થઈ ચુક્યું છે. અલબત્ત ભાજપના મોટા કદના નેતાના નજીકના સબંધી હોવાથી સાથી કર્મચારીઓ ખુલીને વિરોધ કરી શક્તા નથી.આ મામલે શહેરના જાગૃત નાગરિક દ્વારા થયેલી આરટીઆઈ અરજીમાં ઘટસ્ફોટ થયો હતો કે અત્યારે ત્રીજી શ્રેણીના ક્લર્ક તરીકે સેવારત મહિલા કર્મચારી તેના ટ્રેઈની પિરિયડથી માંડીને અત્યાર સુધી એટલે કે છ વર્ષથી માત્ર એક જ વિભાગમાં સેવા આપી રહી છે. ભાજપના નેતાએ પોતાની વગનો ઉપયોગ કરીને સંબધી મહિલા માટે રાજકીય દબાણ એવું રાખ્યું છે કે પાલિકાના ઉપરી કર્મચારીઓ પણ તેની બદલી કરતાં ફફડે છે.કામ પ્રત્યે કોઈપણ પ્રકારના બાંધછોડ કર્યા વિના સતત ૨૪ કલાક દોડતા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સુધી મહિલા કર્મચારીની ફરિયાદ થઈ ચુકી હોવાની વિગતો જાણવા મળી છે પરંતુ કમિશનર પણ ટ્રાન્સફર કરી શક્યા નથી. મોબાઈલમાં મશગુલ રહેતી મહિલા કર્મચારીના ફોટો વાયરલ થયાં બાદ રાજ્ય સરકારના મંત્રીએ પાલિકાને માથે લીધી હતી અને આખા સ્ટાફને પોતાની પર્સનલ ઓફિસ પર બોલાવીને બરાબરના તતડાવ્યા હતા અને ફોટો વાયરલ કરનાર સામે ફરિયાદ કરવા માટે ભારે દબાણ લાદયું હતું. જેને કારણે સ્ટાફના કર્મચારીઓએ નાછુટકે સામૂહિક ફરિયાદ કરીને પાલિકાના હિતેચ્છુની નાક દબાવવાનો પ્રયત્ન કર્યો હતો.
- છ વર્ષથી એક જ ડિપાર્ટમેન્ટ કેમ??
ગુમાસ્તા જેવા મલાઈદાર વિભાગમાં ફરજ બજાવી રહેલી મહિલા કર્મચારીની છ વર્ષથી બદલી કેમ કરવામાં આવી નથી તેની પાછળના રહસ્યનો ઘટસ્ફોટ થયો છે કે તે રાજ્ય સરકારના એક મંત્રીના નજીકના સંબંધી છે. રાજકીય વગનો દુરુપયોગ કરીને સબંધીને સાચવી રહેલા મંત્રી સામે પણ ભાજપમાં આંતરિક કલહ જાેવા મળી રહ્યો છે. જાેકે, રાજ્ય સરકારના મંત્રી હોવાથી નાના કદના નેતાઓનું કઈં ઉપજતું નથી. સુત્રો દ્વારા માહિતી મુજબ આ મહિલા કર્મચારીની વર્તણૂંક તેમજ તેની બદલીને લઈને મુખ્યમંત્રી સુધી ફરિયાદ થઈ ચુકી છે પરંતુ ગાંધીનગરથી કોઈ ર્નિણય આવ્યો નથી.