અમદાવાદ, તા.૧૯
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર. રાજ્યભરમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી છે. ભગવાન જગન્નાથ મંદિરમાં પણ રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી છે. દેશમાં બે મંદિર એવા છે કે જ્યાં ભગવાન જગન્નાથજી પોતાના બહેન સાથે બિરાજમાન છે, એક જગન્નાથપુરી અને બીજું ગુજરાતનું અમદાવાદમાં આવેલ જગન્નાથ મંદિર જ્યાં ભગવાન જગન્નાથ પોતાના બહેન સુભદ્રાજી સાથે બિરાજમાન છે. ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક એટલે કે રક્ષાબંધન, રક્ષાબંધનની ઉજવણી જગન્નાથ મંદિરમાં કરવામાં આવી છે. બહેન સુભદ્રાએ ભાઈ ભગવાન જગન્નાથજીને ચાંદીની રાખડી અર્પણ કરી છે. તો ભગવાન જગન્નાથજીને બહેન સુભદ્રાજી સોનાના અલંકારો ભેટ કર્યા છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. આજે પણ આ પરંપરા યથાવત રાખવામાં આવી છે. ભગવાન જગન્નાથજીને રાખડી બાંધવાની વિધિ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી.
હિન્દુ શાસ્ત્રોમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ છે અને આ તહેવારોના દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આજે પણ રક્ષાબંધનના દિવસે શહેરના જગન્નાથ મંદિરમાં ભક્તો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા છે.
ભગવાન જગન્નાથજીના ચરણોમાં શીશ ઝુકાવી બહેનોએ ભાઈઓના સ્વાસ્થ્ય સારું રહે અને તેમના જીવનમાં પ્રગતિ કરતા રહે તેવા આશીર્વાદ માંગ્યા. દેશભરમાં આજે રક્ષાબંધનની ઉજવણી વચ્ચે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં થયા કોમી એકતાના દર્શન અમદાવાદના જમાલપુર વિસ્તારની ૨૫થી વધારે મુસ્લિમ મહિલાઓએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને તિલક કરીને રાખડી બાંધી હતી. એકતા અને બંધુત્વની ભાવના સાથે જગન્નાથ મંદિરમાં જમાલપુરની મહિલાઓ જાેડાયેલી હોય છે. ત્યારે મંદિરના મહંત માટે જાતે સ્વસ્તિક ચિન્હવાળી રાખડી બાંધીને તમામ મહિલાઓએ આજના પર્વની ઉજવણી કરી હતી. આજે ગુજરાત સહિત દેશભરમાં ભાઈ બહેનના પ્રેમના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ દિવસે બહેનોને પોતાના ભાઈના હાથમાં રક્ષાસુત્ર બાંધે છે.