સુરત, તા.૨૦
કોલકાતામાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. જેને લઇને સમગ્ર દેશમાં ઠેર ઠેર ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માગ કરી રહ્યા છે.
આ સાથે ડોક્ટરો દ્વારા ઇમર્જન્સી સેવા સિવાય ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવી છે. ત્યારે આજે (૨૦ ઓગસ્ટ) અમદાવાદ સિવિલમાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે તો ૪૦ ટકા પ્લાન્ટ સર્જરી-ઓપરેશન ઓછાં કરાયાં છે.
સુરતની હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધતા જિલ્લાના ૫૫ ડોક્ટરોને બોલાવામાં આવ્યા છે તો રેસિડેન્ટ ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો ડોક્ટરો દ્વારા હોસ્પિટલ કેમ્પસની સફાઈ સાથે વિરોધ પ્રદર્શન કરી ડીનને રજૂઆત કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જાેષીએ જણાવ્યું હતું કે, ઓપીડીમાં ડોક્ટર સાથે મેડિકલ ઓફિસર અને નોન ટીચિંગ સ્ટાફને મૂકવામાં આવ્યા છે. શુક્રવારે ૩૧૦૦થી વધુ, શનિવારે ૧૮૦૦, રવિવારે ૯૦૦ દર્દીઓને ઓપીડીમાં સારવાર આપવામાં આવી છે. ઓપીડીમાં આવનાર દર્દીઓને તકલીફ ન પડે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. હડતાળના કારણે પ્લાન્ટ સર્જરી અને ઓપરેશન ઓછાં કરવામાં આવ્યાં છે. અત્યારે ૪૦ ટકા સર્જરી અને ઓપરેશન ઘટડાવામાં આવ્યાં છે. જેને ઓપરેશન અને સર્જરીની જરૂરિયાત હોય તેને જ પ્રાથમિકતા આપવામાં આવે છે.
સુરતમાં સરકારી હોસ્પિટલમાં સારવારની આશાએ આવતા દર્દીઓને આજે થોડી રાહત થઈ છે. જાેકે, બે દિવસથી રજા હોવાના કારણે આજે દર્દીઓનો ધસારો વધી ગયો હતો. સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ પાંચમા દિવસે પણ હડતાળ ચાલુ રાખી હતી અને કામકાજથી અળગા રહ્યા હતા. રવિવાર અને સોમવારે રક્ષાબંધનના તહેવારને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યા નહિવત્ રહી હતી. જ્યારે આજે ફરી એકવાર ઓપીડી શરૂ થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તો બીજી તરફ વિરોધ કરી રહેલા રેસિડેન્ટ તબીબોએ આજે સુરત સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી.
સુરતની સરકારી મેડિકલ કોલેજના ૧૦ અધ્યાપકો નવી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. નવસારી જિલ્લા પંચાયત તરફથી ૧૦ ડોક્ટરોને સુરત મોકલવામાં આવ્યા છે. જેમાં મેડિસિન વિભાગમાં બે, ગાયનેક વિભાગમાં બે, સર્જરી વિભાગમાં બે અને ઓર્થોપેડિક્સ વિભાગમાં એક ડોક્ટરની ડેપ્યુટેશન પર નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલમાંથી ૧૫ અને વલસાડ અને તાપી જિલ્લામાંથી ૧૦-૧૦ ડોક્ટરોને ડેપ્યુટેશન પર નવી સિવિલ હોસ્પિટલમાં નિયુક્તિ કરવાના આદેશ આપવામાં આવ્યો છે.
ડો. ફીરદોશ પટેલે જણાવ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના અંદાજે ૧૦૦૦ જેટલા રેસિડેન્ટ ડોક્ટરો વિરોધમાં જાેડાયા છે. આજે આ બંને મેડિકલ કોલેજના પ્રેસિડેન્ટ બીબોર્ડ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. ત્યાર બાદ સૂત્રોચ્ચાર સાથે સુરત સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં અવેરનેસ માટે એક નાટક પણ કરવામાં આવશે.
