(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૩
‘દારૂબંધીનો કાયદો ગુજરાતમાં ફક્ત કાગળ પર જ રહી ગયો છે. આજે સ્વિગી-ઝોમેટોની જેમ દારૂ પણ લોકો પોતાના ઘરે મંગાવી શકે છે. આપના ધારાસભ્ય હેમંત ખવાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ આ આક્ષેપ કર્યો હતો.
છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં ૯૭૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. દેશના ગૃહ મંત્રી અને પ્રધાનમંત્રીના હોમ સ્ટેટમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવું તે ખૂબ જ ચિંતાજનક વિષય છે.’ વધુમાં ધારાસભ્ય ખવાએ કહ્યું કે ‘એક તરફ ગુજરાતનું યુવાધન વધુને વધુ ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે, માટે અમારી માંગ છે કે આ કાયદાને વધુમાં વધુ કડક બનાવવામાં આવે. અવારનવાર બિનવારસી ડ્રગ્સ મળ્યું તેમ કહીને આ ડ્રગ્સના રેકેટ ચલાવનાર લોકોને છોડી દેવામાં આવે છે અને છાવરવામાં આવે છે. જે રીતે વાહનની હરાજી કરવામાં આવે છે તે જ રીતે અમારી માંગ છે કે જે બોટમાં ઇન્ટરનેશનલ લેવલથી ડ્રગ્સ આવતી હોય છે, તે બોટને પણ જપ્ત કરી કડક કાર્યવાહી કરવી જાેઈએ. જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ આવી રહ્યું છે, તે જાેતા લાગી રહ્યું છે કે ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ વેચનારાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. તો આ તમામ વસ્તુઓને રોકવા માટે કડકમાં કડક કાયદો બનાવવામાં આવે.’ જ્યારે પણ ડ્રગ્સ પકડાય છે, ત્યારે નાની નાની માછલીઓને પકડીને સરકાર વાહ-વાહી લુટતી હોય છે. પરંતુ આ ડ્રગ્સ રેકેટની પૂરેપૂરી તપાસ કરવી જાેઇએ. કારણકે જે લોકો ૫૦૦ કરોડ, ૧ હજાર કરોડ, ૨ હજાર કરોડના ડ્રગ્સ મંગાવી રહ્યા છે તે કોઈ સામાન્ય લોકો ના હોઈ શકે. આ એકદમ આયોજનબદ્ધ રીતે ક્રાઇમ રેકેટ ચલાવવામાં આવતું હોય છે. તો આવા મોટા માથાના ક્રિમિનલ લોકો પર સકંજાે કસવામાં આવે છે તેવી પણ માંગણી છે.’
