સુરત, તા.૨૫
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શનિવારે આખો દિવસ વરસાદ વરસ્યો હતો, જેમાં સુરત શહેરમાં સરેરાશ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. સિઝનમાં પ્રથમ વખત શહેરમાં દિવસભર ઝરમર વરસાદ સાથે માહોલ જામ્યો હતો. આ સાથે જ સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૫૫.૧૫ ઈંચ થયો છે, જે ૯૯ ટકા છે. આજે(૨૫ ઓગસ્ટ,૨૦૨૪) સવારે ઉકાઈ ડેમની સપાટી ૩૩૫.૫૨ ફૂટ નોંધાઈ છે. ઉકાઈ ડેમની સતત સપાટી વધવાને પગલે ઉકાઈ ડેમના ૧૫ દરવાજા ખોલી તાપી નદીમાં ૧ લાખ ૯૪ હજાર ૫૧૧ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી હાલ ઉકાઈ ડેમમાં ૩ લાખ ૫ હજાર ૬૫૫ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમના ૧૧ દરવાજા ૮ ફૂટ અને ૪ દરવાજા ૬.૫ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતાં તાપી બે કાંઠે વહી રહી છે. આ સ્થિતિને પગલે તાપી નદી કિનારેનાં ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યાં છે અને માછીમારોને માછીમારી ન કરવા જવા અપીલ કરી છે.
ઉકાઈ ડેમમાંથી ૧.૫૦ લાખ કયૂસેક કરતાં વધારે પાણી છોડાતાં તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તાપી નદીના કિનારા ઉપર પાણીનો જળસ્તર વધતાં વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. સુરતના તાપી નદી કિનારે આવેલા અલગ અલગ ઓવરા ઉપર પાણીનો સ્તર વધ્યો છે.
