(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૫
રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ઘણા ખરા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે નદીઓ ગાંડીતૂર બની છે. આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. રવિવારે સાંજે ૬.૩૦ કલાક સુધીની વરસાદની આગાહી સામે આવી છે. જેમાં ૧૭ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આજે ભરૂચ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો આજે અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં ચોમાસુ ટ્રફ ગુજરાત નજીક આવી રહ્યું છે, ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહી છે અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ આવી શકે છે. આ તરફ જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ તો કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે.