ગુજરાત,તા.૨૭
રાજ્યમાં રવિવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ સતત ત્રીજા દિવસે યથાવત છે. જન્માષ્ટમીએ એક જ દિવસમાં સિઝનનો ૧૧ ટકા જેટલો વરસાદ ખાબકી જતા રાજ્યમાં ચાલુ સિઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે આજદિન સુધીમાં રાજ્યના ૩૪ સ્ટેટ હાઈવે સહિત ૬૩૬ રસ્તાઓ બંધ છે. રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે બે સ્થળો પર હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ૧૨ લોકોને બચાવવામાં આવ્યા હતા. જામનગરની રંગમતી નદીમાં આવેલા પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજય જાેવા મળ્યું હતું. રાજ્યમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિના પગલે મુખ્યમંત્રીએ આજે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્રણ દિવસ દરમિયાન વરસાદના કારણે રાજ્યમાં ૧૫ લોકોના મોત નિપજ્યા હોવાનું જાહેર થયું છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યા છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અને શહેરોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ જાેવા મળી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદના કારણે જુદી જુદી બનેલી ઘટનાઓમાં ૧૫ લોકોએ જીવ પણ ગુમાવવા પડ્યા છે, જ્યારે ૧૭૦૦૦ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાની તબાહી છતાં હવામાન ખાતાએ હજુ ૭૨ કલાકનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે આવતીકાલ માટે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. અતિવૃષ્ટિની સાથે આ જિલ્લાઓમાં ૪૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના ચમકારાની પણ શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ અપાઈ છે.