સુરત,તા.૨૭
સુરત સહિત ગુજરાતમાં રેડ એલર્ટ સાથે વરસાદ વરસી રહ્યો છે અને ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી છોડવામાં આવી રહ્યુ છે.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતમાં તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે સુરતનો કોઝવે પાણીમાં ગરક થવા સાથે ૧૦ મીટર કરતા વધુ સપાટીથી વહી રહ્યો છે. તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે તાપી નદી કિનારે બનાવેલ વોકવે માં પણ પાણી ઘુસી ગયા હતા. પાલિકા તંત્રએ નાગરિકોને કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી છે.
ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તાર માં પાણીના આવરાના કારણે ડેમ ના સત્તાધીશો દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સુરતમાંથી પસાર થતી તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને કોઝવે ૧૦ મીટર કરતાં વધુ સપાટી પર વહી રહ્યો છે અને તાપી નદીના કિનારે બનેલા વોક વે માં પાણી ઘુસી ગયું છે. સુરતમાં તાપી નદીના જેટલા પણ કિનારા છે તેની નજીક પાણી આવી ગયાં છે. પાલિકાએ નાવડી ઓવારા સહિતના કેટલાક ઓવાર પર બેરીકેટીંગ કરી લોકો પ્રવેશ ન કરે તે માટેની કામગીરી કરી છે.
સતત પાણી છોડાતા પાલિકા તંત્રએ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્રને તકેદારીના ભાગરૂપે એલર્ટ રહેવા માટેની સ્પષ્ટ સુચના આપી છે. તાપીમા પાણી છોડાતા જે ત્રણ ઝોનનેઅસર થઈ શકે છે તેવારાંદેર, કતારગામ અને સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા પણ સતત મોનિટરિંગ કરવા સુચના આપી છે. સુરત મહાનગર પાલિકાનો કંટ્રોલ રૂમને પણ એલર્ટ કરવામાં આવ્યો છે. તાપી નદીના નિચાણવાળા વિસ્તારોમાં આવેલા અસરગ્રસ્ત વિસ્તારોને સંભવિત પૂરની સ્થિતિને ધ્યાને રાખીને આગોતરી જાણ કરવામાં આવશે. તેવું જણાવવા સાથે અફવા પર ધ્યાન ન આપવા માટે અપીલ કરવામા આવી છે.