સુરત,તા.૨૮
સુરતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટતાં તાપી નદીમાં પાણીની આવક ઘટી છે, જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ તાપી નદીમાં ૧.૪૮ લાખ ક્યુસેક પાણીની આવક છે. જ્યારે વિયરકમ કોઝ-વેની સપાટી ૧૦.૫૦ મીટરથી ઘટીને ૯.૫૪ મીટર ઉપર પહોંચી છે.
હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સાવર્ત્રિક વરસાદ ગુજરાતમાં વરસ્યો છે, જેને પગલે નદી-નાળા , ડેમ ચેકડેમ અને તળાવો ઓવરફ્લો થયા છે. ત્યારે સુરતમાં પણ તાપી નદી બે કાંઠે વહી રહી છે. તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી ૨.૪૭ હજાર ક્યુસેક પાણી ત્રણ દિવસ સુધી છોડવામાં આવ્યું હતું. જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે.
ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં આવતા પાણીની આવકમાં ઘટાડો થયો છે જેને પગલે ઉકાઈ ડેમની સપાટી ૩૩૫.૪૮ ફૂટે પહોંચી છે, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી ૩૩૫.૪૮ ફૂટ ઉપર પહોંચી છે. જેથી ડેમની સપાટી રુલ લેવલ નજીક પહોંચી જતાં ઉકાઈ તંત્રએ રાહતનો શ્ચાસ લીધો છે.
હાલ ઉકાઈ ડેમમાં ૧.૧૬ લાખ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ડેમમાંથી ૧.૪૮ લાખ ક્યુસેક પાણીની જાવક છે. સુરતના વિયરકમ કોઝ-વેની સપાટી ૯.૫૪ મીટર પર પહોંચી છે. હાલ તાપી નદીમાં ધીમેધીમે જળસ્તર ઘટી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે ૧૦ઃ૩૦ મીટરથી વધુ થઈ ગયું હતું. જે હવે ધીમેધીમે ઘટી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે , તાપી નદીમાં પાણીની આવક વધતાં તાપી નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેને પગલે શહેરના ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા. જેથી સુરતમાં ગટરિયા પૂરની સ્થિતિ ઉદભવી હતી અને રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયાં હતા. સુરતના અડાજણ અને કતારગામ વિસ્તારના કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રેવાનગર ખાતે પાણી ભરાવાનાં શરૂ થતાં પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. શાળામાં જમવાની તેમજ આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.