(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૮
મધ્યપ્રદેશમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશને ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો. ૨૫ તારીખની આસપાસ જ્યારે હવામાન શાસ્ત્રીઓએ એલર્ટ જાહેર કર્યું કે મધ્યપ્રદેશમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સહુ ચોંકી ગયા હતા. જાે કે આ ડીપ ડિપ્રેશન ગુજરાતમાં આટલો વિનાશ વેરશે તેની કલ્પના પણ કોઇને ન હતી. ૮.૯૨ લાખ ચોરસ કિમીનું આ ડીપ ડિપ્રેશન જેમ જેમ ગુજરાત તરફ આગળ વધ્યું તેમ તેમ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવા લાગ્યો અને ગુજરાત આખુ જળબંબાકાર બની ગયું.
હજું પણ ૭૨ કલાક ભારે છે કારણ કે અમદાવાદથી આગળ સરકેલું આ ડિપ્રેશન હવે કચ્છ તરફ જઇ રહ્યું છે. ગત ૨૫ ઓગષ્ટે મધ્યપ્રદેશના ગુના વિસ્તારમાં દક્ષિણ બાજુએ લો પ્રેશર સર્જાયું અને તેમાંથી ડિપ્રેશન બન્યું હતું અને ધીમે ધીમે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયુ. ૮.૯૨ લાખ ચોરસ કિમીનો ઘેરાવો ધરાવતું આ ડિપ્રેશન મનાય છે કે પાકિસ્તાનના કુલ વિસ્તાર કરતા પણ વધારે છે. ગયા વર્ષે વિનાશ વેરનાર બિપોરજાેય વાવાઝોડું પૂર્વ પશ્ચિમ લંબાઇ ૧૪૦૦ કિમી અને ઉત્તર દક્ષિણ લંબાઇ ૨ હજાર કિમી હતું. હાલ આ ડીપ ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં પ્રવેશ્યું ત્યારે તેનું કેન્દ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હતું. કેન્દ્રબિન્દુ વડનગર અને ઊંઝા ઉપરથી પસાર થયું હતું. આ ડિપ્રેશન પાકિસ્તાનના કરાચીથી લઈને ગુજરાત મુંબઈ સુધીના વિસ્તારોને આવરી લે તેટલું બધુ વિશાળ કાય છે. ૨૬મીએ ગુજરાતમાં પ્રવેશ્યું ત્યાર બાદ સાંજે ૫ વાગ્યાની આજુબાજુ તેનું કેન્દ્રબિન્દુ ઈડરના દક્ષિણમાં જાેવા મળ્યું હતું જે હવે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ ડીપ ડિપ્રેશન આખા ગુજરાત પર ઢંકાઇ ગયું હતું જેના પરથી જ અંદાજ આવી ગયો હતો કે ગુજરાત પર બહુ મોટી આકાશી આફત ઉતરી છે.