સુરત, તા.૨૯
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માનસિક બીમાર દર્દીએ મહિલા રેસિડન્ટ તબીબને વાળ પકડીને માર મારતાં હોબાળો થયો હતો. ભારે હંગામામાં હોસ્પિટલના ડોક્ટર સહિત સ્ટાફે દર્દીને મેથીપાક આપ્યા બાદ ખટોદરા પોલીસને સોંપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં આરએમઓ સહિતના અધિકારીઓ રાત્રે દોડી આવતા હતા. ઉલ્લેખનીય છે કે સિવિલ તંત્ર દ્વારા પોલીસ કમિશનરને મળીને બે પોલીસ જવાનોની માંગ કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં મળી જાય તેવી શક્યતા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આ દર્દી લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે. તેના સંતાન પૈકી ૨૪ વર્ષીય દર્દીને છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારી છે. જેથી તેની દવા પણ ચાલે છે. બુધવારે સાંજે તે ઘરમાં પરિવાર સાથે મારામારી કરી હતી, જેથી લિંબાયત પોલીસ તેને પોલીસ સ્ટેશને લઇ ગઈ હતી. ત્યારબાદ લિંબાયત પોલીસ સ્ટેશનથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં તેને ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તે બેડ ઉપર સૂતો હતો. ત્યારે તેના બાજુના બેડ ઉપર સૂતેલા દર્દીને મહિલા રેસિડેન્ટ ડોક્ટર સારવાર આપી રહી હતી. તે સમયે અચાનક આ દર્દી વાળ ખેંચીને ડોક્ટરને મારવા લાગ્યો હતો. જેથી થોડા સમય માટે હોસ્પિટલમાં ભયના માહોલ સાથે અફરાતફરી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલના ડોક્ટર અને અન્ય સ્ટાફે ભેગા થઈ ગયા હતા.
દર્દીના હાથમાંથી મહિલા ડોક્ટરને બચાવી તેને બરાબરનો મેથીપાક ચખાડયો હતો અને ફરજ પરના મેડિકલ ઓફિસરને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેથી મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસનો સંપર્ક કરી દર્દીને પોલીસ હવાલે કર્યો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય ડોક્ટરો પણ તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં દોડી આવ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ તેમજ હોસ્પિટલની સુરક્ષા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં આરએમઓ સહિતના અધિકારીઓ રાત્રે દોડી આવતા હતા.
આ પહેલા મંગળવારે સાંજે સુરત નવી સિવિલ હોસ્પિટલના સોનોગ્રાફી રૂમમાં દર્દીના પુત્રએ તબીબને તમાચો મારવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. તબીબોની સુરક્ષા માટે હોસ્પિટલ મેનેજમેન્ટે તાત્કાલિક અનેક ર્નિણયો લીધા હતા અને પોલીસ કમિશનરની મુલાકાત લીધા બાદ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હવે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહારના ગેટ પર બે પોલીસકર્મીઓ ૨૪ કલાક તૈનાત રહેશે. હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસ કમિશનર પાસે અલગ-અલગ ત્રણ માંગણીઓ કરી હતી. બે પોલીસ કર્મચારીઓ ૨૪ કલાક ટ્રોમા સેન્ટરની બહાર ઓન ડયુટી રહેશે.
ઈમરજન્સીમાં આવતા દર્દીઓના કેસમાં પોલીસ જાતે તેમની પાસે આવે અને પોલીસ ફરિયાદ લખવી જાેઈએ. દર્દીઓ કે તેમના પરિવારજનોએ સિવિલ પોલીસ ચોકીમાં જવું ન જાેઈએ. જે પોલીસ કર્મચારીઓને સિવિલ ડયુટી સોંપવામાં આવી છે, તેમની બહુ જલ્દી બદલી ન કરવી જાેઈએ. જેથી તે હોસ્પિટલ સ્ટાફ અને અહીંની સિસ્ટમને સારી રીતે સમજી શકે. હાલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ કમિશનરે હોસ્પિટલની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. આ સાથે હોસ્પિટલ મેનેજમેન્ટે ટ્રોમા સેન્ટરમાં ગાર્ડની સંખ્યા ત્રણથી વધારીને પાંચ કરી છે. રાઉન્ડ પર બે ગાર્ડ રહેશે.
