નવી દિલ્હી, તા.૨૯
યુવતીઓ અને મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. દેશના વિવિધ વિસ્તારોમાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આવી જ એક ઘૃણાસ્પદ ઘટના દિલ્હીમાં બની છે જ્યાં એક વ્યક્તિએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે. અહેવાલો અનુસાર, પશ્ચિમ દિલ્હીના રોહિણી સ્થિત કબ્રસ્તાનમાં ૫૨ વર્ષના એક વ્યક્તિએ તંત્ર-મંત્ર અને ધાર્મિક વિધિઓના નામે ૧૨ વર્ષની સગીર બાળકી પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. બુધવારે આ વિશે માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
ઘટના વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીએ છોકરીના બીમાર પિતાની સારવાર માટે તંત્ર-મંત્રની વિધિ કરવાની આડમાં આ ગુનો કર્યો હતો. પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી મોહમ્મદ શરીફે છોકરીના પિતાના ઈલાજ માટે તંત્રક્રિયા કરવાના બહાને તેને કાંઝાવાલાના કબ્રસ્તાનમાં બોલાવી હતી. પીડિતાની ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આરોપીએ કબ્રસ્તાનમાં જ તેની સાથે બળાત્કાર કર્યો હતો. એવું બહાર આવ્યું છે કે આરોપી પીડિતાના પરિવારને પહેલેથી જ ઓળખતો હતો અને તેને મદદ કરવાના બહાને યુવતીના ઘરે આવતો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘મંગળવારે એક યુવતીના યૌન શોષણ અંગે એક ફોન આવ્યો હતો, જે બાદ પીડિતાની ફરિયાદના આધારે પોલીસ ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી ભારતીય દંડ સંહિતાની કલમ ૬૫ (૨) અને જાતીય અપરાધોથી બાળકોના રક્ષણ અધિનિયમની કલમ ૬ હેઠળ આરોપીઓ સામે નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું, ‘અમે મોહમ્મદ શરીફની ધરપકડ કરી છે. સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં બાળકીની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. આ મામલે તપાસ ચાલુ છે.
