નવી દિલ્હી, તા.૨૯
પશ્ચિમ બંગાળ સળગશે તો આસામ, બિહાર, ઓડિશા, ઝારખંડ અને દિલ્હી પણ સળગશે’નું નિવેદન આપનાર મુખ્યમંત્રી મમતા બેનરજીનો ભારે વિરોધ થઈ રહ્યો છે.
મમતાના નિવેદન મામલે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ટીકા કરી છે, તો બીજીતરફ સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદલે બંગાળના મુખ્યમંત્રી વિરુદ્ધ દિલ્હીમાં ફરિયાદ નોંધાવી છે. જિંદલે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે.
કોલકાતામાં ટીએમસીના વિદ્યાર્થી સંગઠનના સ્થાપના દિનના કાર્યક્રમને સંબોધતા મમતાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ પશ્ચિમ બંગાળને સળગાવવા માગે છે. તેમણે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા ચેતવણી આપી હતી કે, જાે બંગાળને સળગાવવામાં આવ્યું તો આસામ, ઉત્તરપૂર્વ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને દિલ્હી પણ સળગશે, અમે ખુરશી પાડી નાખીશું. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ મમતા બેનરજીના નિવેદનનો વિરોધ કર્યો છે. આસામના મુખ્યમંત્રી હેમંતા બિસવા સર્મા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ અને બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ મમતાની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો.
મમતા બેનરજીના આ નિવેદનથી બાદમાં આસામના મુખ્યમંત્રી હેમંતા બિસવા સર્મા ભડક્યા હતા. તેમણે વળતો જવાબ આપતા કહ્યું હતું કે, આસામને ધમકી આપવાની દીદી તમારી હિમ્મત કેવી રીતે થઇ? અમને લાલ આંખો ના દેખાડો, તમારી અસફળતાના રાજકારણથી ભારતને સળગાવવાનો પ્રયાસ પણ ના કરશો. જ્યારે કેન્દ્રીય મંત્રી અને બંગાળમાં ભાજપ અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું હતું કે મમતાની આ ભાષા બંધારણી પદ પર બેઠેલા કોઇ વ્યક્તિની નહીં પણ રાષ્ટ્ર વિરોધી માનસિકતાવાળી વ્યક્તિની લાગી રહી છે.
સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદલે દિલ્હી પોલીસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તેમણે આજે (૨૯ સપ્ટેમ્બર) દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં લખ્યું છે કે, ‘ટીએમસીની વિદ્યાર્થી પરિષદની બેઠકમાં મમતાએ કહ્યું હતું કે, જાે બંગાળને સળગાવવામાં આવ્યું તો આસામ, ઉત્તરપૂર્વ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને દિલ્હી પણ સળગશે. તેમની આ ટિપ્પણી ભડકાઉ અને દેશ વિરોધી છે. જુદા જુદા ક્ષેત્રોમાં ઘણા સમૂહો વચ્ચે ઈર્ષ્યા અને નફરત ફેલાઈ શકે છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી હોવાથી તેમનો લોકો પર પ્રભાવ છે.
બંધારણીય પદ પર રહીને આવી ટિપ્પણી કરવી એ અશાંતિનું કારણ બની શકે છે.’ સુપ્રીમ કોર્ટના વકીલે રાષ્ટ્રપતિ ભવન અને કેન્દ્રીય ગૃહમંત્રાલયને પણ ફરિયાદની કોપી મોકલી છે.