મુંબઈ, તા.૩૦
તાજેતરમાં જ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગઈ હતી. આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં ભારે રાજકીય ખળભળાટ મચી ગયો હતો. આજે શુક્રવારે મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠકમાં આ ઘટના માટે માફી માંગી છે. પીએમ મોદીએ આ ઘટના માટે માફી માંગી છે અને કહ્યું છે કે શિવાજી અમારા માટે આરાધ્ય છે. ચાલો જાણીએ પીએમ મોદીએ બીજું શું કહ્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘરમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘જ્યારે મને પીએમ પદનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો ત્યારે હું સૌથી પહેલા રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજની જગ્યા પર ગયો હતો. તાજેતરમાં સિંધુદુર્ગમાં જે કંઈ પણ થયું, શિવાજી માત્ર એક નામ નથી, તે માત્ર એક રાજા નથી, આપણા માટે શિવાજી આરાધ્ય છે. હું શિવજીના ચરણોમાં નમન કરું છું અને માફી માંગુ છું.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે ૭૬,૦૦૦ કરોડ રૂપિયા છે. મોદીએ લગભગ રૂ. ૧,૫૬૦ કરોડના મૂલ્યની ૨૧૮ મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્ર માટે મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે. વડવાણ પોર્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે. સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની પ્રતિમા તુટવા પર ડેપ્યુટી સીએમ અજિત પવારે પણ માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે બે-ત્રણ દિવસ પહેલા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી હતી. આ ખૂબ જ નિંદનીય છે. આમાં જે પણ દોષિત હશે તેને સજા થશે. હું, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ, મહારાષ્ટ્રની ૧૩ કરોડ જનતાની માફી માંગુ છું. છત્રપતિ શિવાજી મહારાજ મહારાષ્ટ્રના દેવતા છે.
