રાજકોટ, તા.૨૯
રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. પરેશ ધાનાણીએ પટેલ અને ક્ષત્રિયોને હરખ પદુડા કહ્યાં છે. ધાનાણીમાં ઉપયોગમાં લીધેલા શબ્દથી નવો રાજકીય વિવાદ શરૂ થયો છે. ધાનાણી ભાજપના શરૂઆતના સમયનું ઉદાહરણ આપી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે, ભાજપના બીને પટેલ અને ક્ષત્રિયોએ પાણી પાયું છે. ૨૦૧૫માં અમને ખબર પડી અને હવે ક્ષત્રિયોનો વારો આવ્યો. આમ, ધાનાણીએ કરેલા વાણી વિલાસ બાદ ભાજપે સવાલ ઉઠાવ્યા છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ પટેલ અને બાપુઓને હરખ પદુડા કહ્યાં છે. ગત રાત્રિએ મરછા નગરમાં યોજાયેલ સભામાં ધાનાણીએ વર્ષ ૧૯૯૫ નું ઉદાહરણ આપી કહ્યું કે, ભ્રષ્ટાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું. પટેલિયાવ અને બાપુએ હરખ પદુડા થઈ દરરોજ ભાજપના બીને ૧૦ ડોલ પાણી પાયું છે. વર્ષ ૨૦૧૫માં અમને ખ્યાલ આવ્યો તો વાહા ફાટી ગયા, બધા સમાજનો વારો આવી ગયો, બાપુ બચ્યા હતા તો હવે ઝપટે ચડ્યા. આમ, ધાનાણીના મુખેથી નીકળેલ પટેલ સમાજ અને બાપુ એટલે ક્ષત્રિય સમાજ માટે હરખ પદુડા શબ્દનો વિવાદ થયો છે. પરેશ ધાનાણી સામે સવાલો થઈ રહ્યાં છે. કોઈ સમાજને હરખ પદુડા કહી વાણી વિલાસ કરવો કેટલો યોગ્ય ?
તો પરેશ ધાનાણીના નિવેદન મામલે ભરત બોઘરાની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવા ભાજપના બીજ વાવ્યા છે. ૧૮ વરણ દ્વારા ભાજપના બીજ વાવ્યા હતા. પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું છે. ૨૦૧૫માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાસા ફાટી ગયા. અમારી બહેનો દીકરીઓને માર મારવામાં આવ્યો હતો. પટેલો હરખપદુડા નહિ બુધ્ધિશાળી કોમ છે. કોંગ્રેસને પણ પટેલોએ જ સત્તા આપી હતી. પરંતુ ગુંડાગીરી અને દાદાગીરીથી કંટાળીને પટેલો ગુજરાતમાં પરિવર્તન લાવ્યા છે. આજે ગુજરાતના ૧૮ વર્ષ છેલ્લા ૨૮ વર્ષથી ભાજપને સત્તામાં લાવે છે.
ભરત બોઘરાનાં નિવેદન મામલે પરેશ ધાનાણીએ જવાબમાં કહ્યું કે, કોંગ્રેસનો નહિ ભાજપનો ઘાણવો દાઝેલા છે. ભાજપે એટલે અમરેલીથી રૂપાલાને રાજકોટ મૂક્યા. પટેલ અને દરબારે બીજ રોપ્યા એટલે જ ભાજપ વટવૃક્ષ બન્યું છે. રાજકોટ ભાજપનો કકળાટ કાઢવા અમરેલીથી ઉમેદવાર મૂક્યા. આ અહંકારને ડામવા હું પણ રાજકોટ એટલે જ આવ્યો છું.
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ કોંગ્રેસનો ઘણવો દાઝેલો શબ્દનો પ્રયોગ કર્યો હતો. ત્યારે પરેશ ધાનાણીના પટેલીયા અને બાપુના હરખ પદુડા અંગેના નિવેદન પર કોંગ્રેસના નેતા લલિત કગથરાએ નિવેદન આપતા કહ્યું કે, સી આર પાટીલ હરખ પદુંડા થઇને બોલી રહ્યા છે. પાટીલ ભાઉને સૌરાષ્ટ્રના તળપદા શબ્દોનો અર્થ શું થાય તે ન ખબર હોય તે સ્વભાવિક વાત છે. આ નિવેદનનો મતલબ છે, પટેલો અને ક્ષત્રિયોએ ભાજપને પોતાનું માન્યું હતું અને સાથે રહ્યા હતા. ભાજપ હાર ભાળી ગયું છે જેથી પાણીમાંથી પોરા કાઢી રહ્યું છે. ભાજપ રાજકોટ લોકસભાની ચૂંટણી હારી રહી છે એટલે આવા વિવાદો ઉભા કરે છે.